
પાટણ, 10 માર્ચ (હિ.સ.) ગુજરાત સરકારે રાજ્યની 71 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરવાનો આદેશ કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જારી કરાયેલા આ આદેશમાં પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ-8 મુજબ નગરપાલિકાની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં આ નિર્ણય લેવાયો છે. રાજ્યની આ નગરપાલિકાઓની મુદત માર્ચ 2026માં પૂર્ણ થતી હોવાથી વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.
પાટણ અને સિદ્ધપુર નગરપાલિકામાં પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અગાઉ મંજૂર કરાયેલા વિકાસ કામોના વર્ક ઓર્ડર આપી શકશે તેમજ પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, અગ્નિશમન અને સફાઈ જેવી સેવાઓ માટે જરૂરી ખર્ચ મંજૂર કરી શકશે.
સરકારના આદેશ મુજબ વહીવટદારો કોઈ નીતિ સંબંધિત નિર્ણય લઈ શકશે નહીં. તેઓ માત્ર નગરપાલિકાની રોજિંદી કામગીરી અને જરૂરી સેવાઓ જાળવી રાખશે, જે વ્યવસ્થા નવી ચૂંટાયેલી બોડી રચાય ત્યાં સુધી ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ