
મહેસાણા, 10 માર્ચ (હિ.સ.) મહેસાણા લોકસભા સાંસદ અને ONGC હાઈપાવર કમિટીના ચેરમેન હરિભાઈ પટેલ તથા સમિતિના સભ્યો દ્વારા નંદાસણ સ્થિત GGS અને NG-1500/3 ડ્રિલિંગ રિગની મુલાકાત લઈ ઓઇલ ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઓઇલ ઉત્પાદન કામગીરીને નજીકથી સમજવાનો અને ક્ષેત્રમાં રહેલા પડકારોનો અભ્યાસ કરવાનો હતો.
મુલાકાત દરમિયાન હરિભાઈ પટેલ, સમિતિના અન્ય સભ્યો, મહેસાણા એસેટ મેનેજર સુનિલ કુમાર તેમજ VC સભ્યો હાજર રહ્યા હતા. સમિતિએ સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી અને લાઈવ ક્રૂડ ઓઇલના નમૂનાનું પણ નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે ઉત્પાદન પ્રક્રિયામાં આવતી તકનિકી મુશ્કેલીઓ અને પડકારો અંગે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી.
ડ્રિલિંગ કામગીરી અત્યંત પડકારજનક હોવા છતાં અહીં કાર્યરત કર્મચારીઓ ઊંચી કુશળતા, શિસ્ત અને સમર્પણ સાથે પોતાની ફરજ બજાવી રહ્યા હોવાનું સમિતિએ નોંધ્યું હતું. સંકુલમાં હાઉસકીપિંગ અને મેન્ટેનન્સના ધોરણો પણ ઉચ્ચ કક્ષાના જોવા મળ્યા હતા.
સમિતિએ જણાવ્યું કે નંદાસણ ખાતે ચાલી રહેલી ઓઇલ ઉત્પાદન કામગીરી રાષ્ટ્રહિત માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને અહીંના કર્મચારીઓની સેવા દેશપ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મુલાકાત અંતે હાઈપાવર કમિટીએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR