
મહેસાણા, 10 માર્ચ (હિ.સ.) બહુચરાજી પોલીસ સ્ટેશન દ્વારા શંખલપુર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં સુરક્ષા, કાયદા અને સામાજિક જાગૃતિ અંગે સમજણ વિકસાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ નાના વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે સરળ ભાષામાં સમજ આપી, જેથી તેઓ પોતાની સુરક્ષા અંગે સજાગ બની શકે. સાથે સાથે ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવી માર્ગ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સોશિયલ મીડિયા ઉપયોગ દરમિયાન રાખવાની સાવચેતી, વ્યસન મુક્તિ અંગે જાગૃતિ અને આપત્કાળીન સ્થિતિમાં 112 હેલ્પલાઇનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત રાહવીર યોજના અને PMJAY યોજના સહિત પોલીસ અને સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ બાળકો સાથે મિત્રતા ભર્યું વાતાવરણ ઊભું કરી તેમને નિર્ભય બનીને પ્રશ્નો પૂછવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સુરક્ષા અને કાયદા અંગે જાગૃતિ ફેલાઈ તેમજ પોલીસ અને બાળકો વચ્ચે વિશ્વાસપૂર્ણ અને મિત્રતાભર્યો સંબંધ મજબૂત બન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR