
મહેસાણા, 10 માર્ચ (હિ.સ.) રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી “સુજલામ સુફલામ જળ અભિયાન – જળ સંચય જન ભાગીદારી 2.0” કાર્યક્રમના સફળ અમલીકરણ માટે આયોજન તથા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અભિયાન અંતર્ગત હાથ ધરાનાર વિવિધ કાર્યો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન પાણી સંચય વધારવા માટેના પગલાં, નદીઓ અને કેનાલોની સફાઈ, ચેકડેમ, તળાવો તથા અન્ય જળસંચય માળખાઓના મરામત અને સુધારણા જેવા કાર્યો સમયસર પૂર્ણ થાય તે અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ તમામ કામો ગુણવત્તાપૂર્વક થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે જન ભાગીદારી વધારવા પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ગામડાઓમાં સ્થાનિક લોકો, ખેડૂત મિત્રો અને વિવિધ સંસ્થાઓને જોડીને પાણી સંચય માટે સામૂહિક પ્રયત્નો વધારવા અપીલ કરવામાં આવી હતી.
અધિકારીઓને જણાવાયું હતું કે દરેક કાર્ય નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને તેનું યોગ્ય મોનીટરીંગ કરવામાં આવે, જેથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે. આ અભિયાન દ્વારા પાણી સંચય વધારવાનો અને આવનારા સમયમાં પાણીની સમસ્યા દૂર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR