


પોરબંદર, 10 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર રસ્તાઓ જ્યાં અડચણરૂપ ન થાય ત્યાં તથા કોર્પોરેશનની ખુલ્લી જમીન ઉપર વિશાળ પ્રમાણમાં વૃક્ષો વાવેતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગની અસરને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સદભાવના સંસ્થાને અંદાજે 3000 વૃક્ષોના વાવેતર અને ઉછેરની જવાબદારી સોંપવામાં આવી છે. સંસ્થા દ્વારા નિર્ધારિત સ્થળોએ યોગ્ય આયોજન સાથે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત વાવવામાં આવેલા વૃક્ષોની સંભાળ, પાણી, રક્ષણ તથા વિકાસ માટે સતત દેખરેખ રાખવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને આગામી ત્રણ વર્ષ સુધી વૃક્ષોના જતન અને સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી સંસ્થા ઉપર રહેશે. જો કોઈ કારણસર વાવવામાં આવેલા વૃક્ષો નાશ પામે અથવા સુકાઈ જાય તો તેના સ્થાને ફરીથી નવા વૃક્ષો વાવી તેમને ઉછેરવાની જવાબદારી પણ સંસ્થા દ્વારા નિભાવવામાં આવશે. મહાનગરપાલિકાની આ હરિયાળી અભિયાનની કામગીરી તા.10/12/2025 થી શરૂ કરવામાં આવી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર રીતે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત વડ, પીપળો, ઉમરો, પારસ પીપળો, અર્જુન સાગર, રેંડા સહિતના વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.
શહેરમાં વૃક્ષો વધે તે માટે આ અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને ઓક્સિજન છોડે છે, જેના કારણે હવા શુદ્ધ બને છે અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે. શહેરોમાં વધતા કોંક્રીટના કારણે ઉનાળામાં તાપમાન વધારે અનુભવાય છે ત્યારે વૃક્ષો છાંયો અને ઠંડક પ્રદાન કરી લોકોને રાહત આપે છે. વૃક્ષો પર્યાવરણ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તે પક્ષીઓ અને અન્ય જીવજંતુઓને આશ્રય આપે છે તેમજ પર્યાવરણનું સંતુલન જાળવે છે. સાથે સાથે વરસાદી પાણી જમીનમાં ઉતરવામાં સહાય કરે છે.રસ્તાઓ, બગીચાઓ અને જાહેર સ્થળોએ હરિયાળી વધવાથી શહેરની સુંદરતા પણ વધે છે. શુદ્ધ હવા અને હરિયાળું વાતાવરણ નાગરિકોના શારીરિક અને માનસિક આરોગ્ય માટે લાભદાયક સાબિત થાય છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલું આ વૃક્ષારોપણ અભિયાન શહેરને આવનારા સમયમાં વધુ સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણપ્રેમી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પણ વૃક્ષોનું સંરક્ષણ કરવા અને પર્યાવરણ જાળવવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya