જામનગરના શંકરટેકરીમાં દારૂડિયાને પકડવા ગયેલા પોલીસકર્મી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ
જામનગર, 10 માર્ચ (હિ.સ.): જામનગરમાં શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં ગઈ રાત્રે દારૂનો નશો કરીને દંગલ મચાવી રહેલા શખ્સને પકડવા ગયેલા 112 જનરક્ષક વિભાગના પોલીસ કર્મચારી ઉપર હુમલો કરી તેઓની ફરજમાં રૂકાવટ કરવા અંગે એક દારૂડિયા શખ્સ સામે પોલીસ ફરિયાદ
ધરપકડ


જામનગર, 10 માર્ચ (હિ.સ.): જામનગરમાં શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં ગઈ રાત્રે દારૂનો નશો કરીને દંગલ મચાવી રહેલા શખ્સને પકડવા ગયેલા 112 જનરક્ષક વિભાગના પોલીસ કર્મચારી ઉપર હુમલો કરી તેઓની ફરજમાં રૂકાવટ કરવા અંગે એક દારૂડિયા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે, જ્યારે આરોપીને પકડી લઇ પોલીસ લોકપમાં બેસાડી દેવાયો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના પોલીસ ક્વાર્ટરમાં રહેતા તેમજ સીટીસી ડિવિઝનની 112 જનરક્ષક પોલીસ વિભાગની બોલેરોમાં ફરજ બજાવતા મિતરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા નામના પોલીસ કોન્સ્ટેબલ ગઈકાલે બપોરે 3.30 વાગ્યાના અરસામાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા, જે દરમિયાન કુલદીપ ગિરધરભાઈ પરમાર નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો, અને શંકર ટેકરી સિદ્ધાર્થ નગર કોલોની શેરી નંબર ત્રણમાં વિપુલ પ્રાગજી ચૌહાણ નામનો શખ્સ દારૂનો નશો કરીને પોતાની સાથે બબાલ કરી રહ્યો છે, તેવી જાણકારી આપીને દારૂડિયા શખ્સને પકડી લેવા રજૂઆત કરી હોવાથી 112 જનરક્ષકની પોલીસ ટીમ શેરી નંબર ત્રણમાં પહોંચી હતી.

જ્યાં વિપુલ પ્રાગજી ચૌહાણ દારૂના નશામાં બફાટ કરી રહ્યો હતો. જેને અટકાવવા જતાં તેણે ફરજ પરના પોલીસ કર્મચારી મિતરાજસિંહ જાડેજા ઉપર હુમલો કરી દીધો હતો. તેણે ઢીકાપાટુનો માર મારી નખ વડે શરીરમાં વીખોડીયા ભરી ઇજા પહોંચાડી હતી, તેમજ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.

આથી વિપુલ ચૌહાણને પોલીસ જીપમાં બેસાડી દેવાયો હતો, જેની સાથે કુલદીપ પરમારને પણ સાથે રાખીને સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન જીપમાં પણ આરોપીએ દેકારો મચાવ્યો હતો, અને પોતે દલિત જ્ઞાતિનો છે, જેથી પોલીસ ફરિયાદ કરીને પટ્ટા ટોપી ઉતરાવી દેશે, તેવી ધમકીઓ પણ આપી હતી. આખરે તેને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જઈ પોલીસ લોકપમાં બેસાડી દેવામાં આવ્યો હતો, અને મિતરાજસિંહ જાડેજાની ફરિયાદના આધારે તેની સામે ફરજમાં રૂકાવટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ દારૂબંધી ભંગ બદલ ધરપકડ કરી લેવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande