
સુરત, 10 માર્ચ (હિ.સ.) સુરત શહેરના હિરાબાગ વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા 62 વર્ષીય દિવ્યાંગ વરિષ્ઠ નાગરિક સવજી અંબાભાઈ ગોરાસીયા આજે અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. મધ્યમ વર્ગમાંથી આવતા અને બહુ ભણેલા ન હોવા છતાં, સવજીભાઈ સરકારી યોજનાઓ પ્રત્યે અત્યંત જાગૃત છે અને માત્ર પોતાના પરિવાર માટે જ નહીં પરંતુ અન્ય લોકો માટે પણ આ યોજનાઓના લાભો સુનિશ્ચિત કરવામાં માને છે. સરથાણા ઝોન ખાતે યોજાયેલા યોજાયેલા 'સેવા સેતુ' કાર્યક્રમમાં સવજીભાઈ પોતાનું 'સીનિયર સિટીઝન કાર્ડ' કઢાવવાના મક્કમ નિર્ધાર સાથે પહોંચ્યા હતા. ત્યાં હાજર ઓપરેટરો અને સ્ટાફ દ્વારા તેમને યોગ્ય માર્ગદર્શન મળ્યું, સ્થળ પર જ ફોર્મ ભરાયું અને જોતજોતામાં તેમનું કાર્ડ પ્રોસેસ થઈ ગયું.
જ્યારે સવજીભાઈને પૂછવામાં આવ્યું કે, તેઓ આ ઉંમરે પણ સરકારી યોજનાઓ માટે આટલા સક્રિય કેમ છે, ત્યારે તેમણે ખૂબ જ સચોટ અને ગંભીરતાપૂર્વક આ કાર્ડના ફાયદા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સીનિયર સિટીઝન કાર્ડ એ માત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ જીવનને સરળ બનાવવાનું માધ્યમ છે. આ કાર્ડની મદદથી તેમણે હવે ક્યાંય લાંબી કતારોમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. વધુમાં, ગુજરાત એસ.ટી. બસમાં મળતી ભાડાની રાહત, રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ યાત્રાઓના લાભ, ફિક્સ ડિપોઝિટ (FD) પર મળતું વધુ વ્યાજ અને ટેક્સમાં મળતી કેટલીક છૂટછાટો જેવા અનેક ફાયદાઓ તેમને આ એક કાર્ડથી મળવાના છે. સવજીભાઈની આ પ્રોએક્ટિવ અભિગમ એ વાત સાબિત કરે છે કે જો નાગરિક જાગૃત હોય તો સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકાય છે. ગુજરાતના તમામ વરિષ્ઠ નાગરિકો સવજીભાઈની જેમ જાગૃત બને અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવે તેવી પ્રેરણા આ કિસ્સો પૂરી પાડે છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે