એમ.પી.શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફલ્લા ગામે ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત નુક્કડ નાટકો દ્વારા જનજાગૃતિ ફેલાવાઈ
જામનગર, 10 માર્ચ (હિ.સ.): જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા નેશનલ મેડિકલ કમિશનના માર્ગદર્શન હેઠળ ફલ્લા ગામે ગ્રામ્ય આરોગ્ય અભ્યાસ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અં
ફલ્લા ગામનો સેમિનાર


જામનગર, 10 માર્ચ (હિ.સ.): જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા નેશનલ મેડિકલ કમિશનના માર્ગદર્શન હેઠળ ફલ્લા ગામે ગ્રામ્ય આરોગ્ય અભ્યાસ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ વર્ષના MBBSના વિદ્યાર્થીઓએ ફલ્લા ગામના દત્તક લીધેલા પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પરિવારોની આરોગ્ય સ્થિતિ, પોષણનું સ્તર, સ્વચ્છતા, પર્યાવરણ અને જીવનશૈલી સંબંધિત ઝીણવટભરી માહિતી એકત્રિત કરી હતી. ત્યારબાદ નાના સમૂહોમાં આ માહિતીનું જાહેર આરોગ્યના દ્રષ્ટિકોણથી સચોટ વિશ્લેષણ કરી, તેને સરળ અને સમજી શકાય તેવા આરોગ્ય શિક્ષણના સંદેશાઓમાં રૂપાંતરિત કરી ગ્રામીણ પરિવારો સુધી પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું.

સંસ્થાના કોમ્યુનિટી મેડિસિન વિભાગે આ સમગ્ર શૈક્ષણિક તાલીમ અને આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં લોકજાગૃતિ માટે નવતર પ્રયોગ હાથ ધરતા વિદ્યાર્થીઓએ ફલ્લાની આંગણવાડી, ધ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ-ધ્રાંગડા તથા મોટી બાણુગરની શાળાઓના સહયોગથી વિવિધ વિષયો પર ‘નુક્કડ નાટક’ રજૂ કર્યા હતા.

આ નાટકો દ્વારા કિશોરાવસ્થામાં એનિમિયા અને આયર્નયુક્ત આહારનું મહત્વ, જંક ફૂડને તિલાંજલિ આપી પૌષ્ટિક આહાર અપનાવવા, વ્યક્તિગત સ્વચ્છતા અને હાથ ધોવાની સાચી પદ્ધતિઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત કિશોરીઓમાં માસિક ધર્મ સંબંધી ગેરમાન્યતાઓ દૂર કરવા અને ગંભીર રોગો સામે રસીકરણની અનિવાર્યતા જેવા સંવેદનશીલ વિષયો પર પણ અસરકારક સમજ આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ આ તકે સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની મુલાકાત લઈ ગ્રામીણ સ્તરે મળતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ કામગીરી નિહાળી હતી. આ સમગ્ર અભિયાન અંગે ડૉ. દિપેશ પરમારે જણાવ્યું હતું કે, ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ દ્વારા ભાવિ તબીબોને સમુદાય સાથે સીધો સંપર્ક કરવાની તક મળે છે અને તેઓ ગ્રામ્ય આરોગ્યની વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર થાય છે, જે તેમને ભવિષ્યમાં વધુ સંવેદનશીલ અને જવાબદાર તબીબ બનવામાં મદદરૂપ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande