
જામનગર, 10 માર્ચ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખની સમય મર્યાદા તા.11 માર્ચ-2026ના રોજ પુરી થાય છે. ત્યારે આજે મંગળવારે તા.10ના રોજ સ્ટેન્ડિંગ કમિટીની મ્યુ. કમિનશનર દ્વારા તૈયાર કરાયેલી 50 દરખાસ્તોનો એજન્ડા ધરાવતી બેઠક યોજવામાં આવી છે. જેમાં પાણીના, રોડ રસ્તાના, ફરવાના 3 સ્થળોએ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટ સહિતના કામોના નિર્ણય લેવામાં આવશે.
આ બેઠક અધિકારીઓ અને પદાધિકારીઓ, સભ્યો વચ્ચે બોલ્યું ચાલ્યું માફ કરજો, પ્રકારની રહેવા પામે તેવી શક્યતા છે. વર્ષ 2021માં જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચુંટણીઓમાં 50 સભ્યો ચુંટાયા બાદ ભાજપાએ સત્તા હાંસલ કરી હતી. જે શાસન કાળમાં પાર્ટીની નિતિ મુજબ અઢી-અઢી વર્ષના કાર્યકાળ માટે મેયર, ડે.મેયર,ચેરમેન, દંડક, શાસક જુથના નેતાઓએ સત્તા ભોગવી છે.
આ સત્તાની સમય મર્યાદા આવતી કાલે તા.11 માર્ચે પુરી થાય છે. જે પહેલા આજે તા.10ના રોજ સ્ટેન્ડિંગ કમિટીએ બોલાવેલી કમિટીની અંતિમ બેઠકમાં લેબર-લો ક્નસલ્ટન્ટની નિમણુંક કરવાની, કોમ્પ્યુટર શાખા હસ્તક કોર્પોરેશનના સંખ્યાબંધ સીસી કેમેરાના 2026-27ના વર્ષના મેન્ટેનન્સના, નેટવર્ક, સર્વર, રાઉટર તેમજ નવા નેટવર્કના 2026-27ના કામના, કોમ્પ્યુટર હાર્ડવેરના વાર્ષિક મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટની, શહેરમાં રાજકોટ, ખંભાળીયા, લાલપુર તરફના પ્રવેશ દ્વાર સમાન રસ્તાઓ ઉપર ફરી ડામર પાથરવાના કામની, રણમલ લેક, ખંભાળીયા ગેઈટ તેમજ ભુજિયા કોઠા ખાતે સલામતી ગાર્ડઝ, કોમ્પ્યુટર ઓપરેટરો, અન્ય સ્ટાફને રાખવાના 3 વર્ષના કોન્ટ્રાક્ટની, વોટર વર્કસ વિભાગની વિવિધ સામગ્રી ખરીદીની સાત, મેટલ રોડ કરવાની પાંચ, સેન્ટ્રલ લાઈટીંગના મેન્ટેનન્સની બે, કોર્પો. ની લાઈટ શાખામાં સીડી વાળા વાહનો મુકવાની, રખડતા ભટકતા શ્વાનો માટે આશ્રય કેન્દ્ર બનાવવાની, શહેરના તમામ વોર્ડના પાંચ ઝોનમાં બંટાયેલા વિસ્તારોમાં જુદા જુદા કારણોસર તોડાયેલા રોડના ચરેડા-ખાડા પુરવાની, ડીકેવીથી જોગર્સ પાર્ક થઈને કલેક્ટર કચેરી સુધી સીસી રોડ બનાવવાની, શહેરમાં હાપા પાસે, અન્નપુર્ણા ચોકડી પાસે તેમજ સોનલનગર વિસ્તારમાં ગ્રીન સ્પેસ એન્ડ પાર્ક પ્રોજેક્ટના ડેવલપમેન્ટની તેમજ 7 સ્થળોએ પાઈપ ગટરના કામોની દરખાસ્તો કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે ઉપરાંત અમુક દરખાસ્તો ચેર ઉપરથી ચેરમેન દ્વારા લેવામાં આવે તેવી શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt