
- અલગ-અલગ શહેરોમાં બોમ્બ-ડોગ સ્કવોડ પહોંચી
- આજે સવારે 8:49:17 AM વાગ્યે સુરત પાસપોર્ટ ઓફિસને એક મેઈલ મળ્યો
અમદાવાદ,10 માર્ચ (હિ.સ.) આજે રાજ્યમાં ફરી એકવાર રાજકોટ,અમદાવાદ પાસપોર્ટ ઓફિસ,વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી સહિત રાજ્યની અલગ-અલગ શહેરોમાં પોસ્ટ ઓફિસ, યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો છે.
આજે વડોદરાની પારૂલ યુનિવર્સિટી, ભાવનગરમાં હેડ પોસ્ટ ઓફિસમાં આવેલા પાસપોર્ટ વિભાગ અને સુરત, જૂનાગઢમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા દોડધામ મચી છે.રાજકોટ પાસપોર્ટ-પોસ્ટ ઓફિસ અને અમદાવાદ પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.બોમ્બ-ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સંકુલને ખાલી કરાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
સુરતમાં આવેલી પ્રાદેશિક પાસપોર્ટ કચેરીને આજે સવારે એક અત્યંત ગંભીર અને વિસ્ફોટક ઈ-મેઇલ મળતા સમગ્ર રાજ્યની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
આ ઈ-મેઇલમાં માત્ર સુરત જ નહીં, પરંતુ દેશની આંતરિક સુરક્ષાને લઈને પણ અનેક ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. 2000 કરોડના ડ્રગ્સ કેસથી લઈને સાયનાઈડ ગેસના પ્રયોગ સુધીની વાતો આ મેઈલમાં લખવામાં આવી છે.
આજે સવારે 8:49:17 AM વાગ્યે alex_paul_menon@outlook.com નામના આઈડી પરથી સુરત પાસપોર્ટ ઓફિસને એક મેઈલ મળ્યો હતો. આ મેઈલની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે, તમારી પાસપોર્ટ ઓફિસમાં 5 સાયનાઈડ ગેસ ભરેલા IED વિસ્ફોટ થશે. બપોરે 1:10 વાગ્યા સુધીમાં મોં અને નાક ઢાંકીને ઓફિસ ખાલી કરી દેવી.
આ ધમકી મળતા જ કચેરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તુરંત જ પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી હતી.
આ પત્રમાં સૌથી મોટો ધડાકો 2000 કરોડના ડ્રગ્સ મામલે કરવામાં આવ્યો છે. પત્રમાં લખ્યું છે કે, ‘2000 Crore Drugs Jaffer Sadiq case’ માત્ર એક ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. મોકલનારનો દાવો છે કે અસલી ખતરો એ ડ્રગ્સના પૈસાનો ઉપયોગ કરીને ભારતમાં આતંકી ગતિવિધિઓ ચલાવવાનો છે. પત્રમાં એવો આક્ષેપ છે કે આ ડ્રગ્સ નેટવર્ક પાકિસ્તાની આઈ.એસ.આઈ. (ISI) અને દક્ષિણ ભારતના કેટલાક કટ્ટરપંથી સંગઠનો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.
મેઈલના અંતમાં મોકલનાર તરીકે Alex Paul Menon (એલેક્સ પોલ મેનન) નું નામ લખેલું છે, જેનું સરનામું c/o Madras Tigers, Coimbatore (કોઈમ્બતુર) દર્શાવવામાં આવ્યું છે.
પત્રમાં તમિલનાડુની રાજનીતિ અને ત્યાંના સત્તાધારી પક્ષના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પત્રમાં લખ્યું છે કે આ સંગઠન 'અલ-બદર' અને 'તાલિબાન' જેવી વિચારધારા સાથે જોડાયેલું છે અને તેઓ ભારતભરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરવાનું આયોજન કરી રહ્યા છે.
પત્રની નીચે લખેલી મહત્વની નોંધ- ‘આ Hoax નથી’
પત્રની નીચેના ભાગમાં મોકલનારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આ કોઈ Hoax (અફવા) નથી.
તેણે આગળ લખ્યું છે કે અગાઉના જે મેઈલ અથવા અફવાઓ ફેલાવવામાં આવી હતી, તે માત્ર ગુજરાત પોલીસની BDDS બોમ્બ સ્ક્વોડ અને ATS એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનો 'રિસ્પોન્સ ટાઈમ' માપવા માટે કરવામાં આવી હતી. એટલે કે, પોલીસ કેટલી સેકન્ડમાં ઘટનાસ્થળે પહોંચે છે અને કેવી રીતે કાર્યવાહી કરે છે તેની તેઓ રેકોર્ડિંગ અને દેખરેખ રાખી રહ્યા હતા.
આ મેઈલ મળતા જ પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ લેટર પર હસ્તલિખિત નોંધ કરી છે.
આ નોંધ મુજબ, આ બાબતની ગંભીરતા જોઈને સુરત પોલીસ કમિશનર, વિદેશ મંત્રાલય, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને લોકલ પોલીસ સ્ટેશનને લેખિતમાં રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ની ટીમે અત્યાધુનિક ડિટેક્ટર્સ અને ડોગ સ્ક્વોડ સાથે આખી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સુરત સાયબર ક્રાઈમ સેલ હવે આ alex_paul_menon@outlook.com આઈડી પાછળ કોણ છે તેની તપાસ કરી રહી છે.
પ્રાથમિક તપાસમાં આ મેઈલ કોઈ પબ્લિક વાઈફાઈ અથવા VPN (વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક) દ્વારા મોકલવામાં આવ્યો હોવાની આશંકા છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે આ ખરેખર કોઈ આતંકી ષડયંત્ર છે કે, પછી કોઈ માથાભારે તત્ત્વએ પબ્લિસિટી મેળવવા માટે આ કૃત્ય કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ