
ગાંધીનગર, 11 માર્ચ (હિ.સ.) : વિશ્વભરમાં ચાલી રહેલી બાળવિવાહની સમસ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં ભારતના પ્રખ્યાત બાળ અધિકાર કાર્યકર અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિના વિધિવેત્તા ભુવન ઋભુએ સંયુક્ત રાષ્ટ્રને બાળવિવાહના ઉન્મૂલન માટે એક આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરવાની માંગ કરી છે. સંયુક્ત રાષ્ટ્રના કમિશન ઑન ધ સ્ટેટસ ઑફ વુમન (CSW)ના 70મા સત્રના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં બાળવિવાહમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ આજેય વિશ્વમાં દર ત્રણ સેકન્ડે ક્યાંક ને ક્યાંક એક બાળવિવાહ થઈ રહ્યું છે.
બાળવિવાહ, જે મૂળભૂત રીતે બાળકો સામેના બળાત્કાર સમાન છે, તેને રોકવા માટે વૈશ્વિક સ્તરે જવાબદારી અને કાયદાના અસરકારક અમલને મજબૂત બનાવવા માટે સમર્પિત દિવસની જરૂરિયાત પર ભાર મૂકતાં જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રનના સ્થાપક ભુવન ઋભુએ જણાવ્યું કે,
“ભારતે બતાવ્યું છે કે બાળવિવાહનો અંત શક્ય છે. રોકથામ, સંરક્ષણ, દંડાત્મક કાર્યવાહી તેમજ બાળકો, સમાજ અને ધાર્મિક આગેવાનોની ભાગીદારી આધારિત ‘સંપૂર્ણ સરકાર અને સંપૂર્ણ સમાજ’ના અભિગમ સાથે આપણો દેશ 2030 સુધી બાળવિવાહનો સંપૂર્ણ અંત લાવવા માટે દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. ભારતમાં ત્રણ વર્ષથી પણ ઓછા સમયમાં બાળવિવાહનો દર 23 ટકાથી ઘટીને 15 ટકાથી નીચે આવ્યો છે. બાળવિવાહ વાસ્તવમાં બાળક સામે થતો બળાત્કાર અને યૌન શોષણ છે, જેને ઘણી વખત સંસ્કૃતિ અથવા પરંપરાની આડમાં છુપાવી દેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રે ‘બાળવિવાહ ઉન્મૂલન માટે આંતરરાષ્ટ્રીય દિવસ’ જાહેર કરવો જોઈએ જેથી વિશ્વસ્તરે પ્રતિબદ્ધતા અને જવાબદારી મજબૂત બને અને વિશ્વભરના દેશો અને સમાજ આ અપરાધને સમાપ્ત કરવા માટે એકત્રિત થાય.”
કાર્યક્રમમાં હાજર સિએરા લિઓનની પ્રથમ મહિલા ડૉ. ફાતિમા માદા બાયો, નેપાળની મહિલા, બાળ અને વરિષ્ઠ નાગરિક મંત્રી શ્રદ્ધા શ્રેષ્ઠ સહિતના વિશિષ્ટ મહેમાનોને પણ બાળવિવાહના ઉન્મૂલન માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરવાની માંગને મજબૂત સમર્થન આપ્યું.
વર્લ્ડ લૉ કોંગ્રેસ 2025 દરમિયાન વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી મેડલ ઑફ ઑનરથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય વકીલ ભુવન ઋભુએ આ કાર્યક્રમને ઓનલાઈન સંબોધિત કર્યો હતો. જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન દ્વારા આ કાર્યક્રમનું આયોજન સિએરા લિઓનની પ્રથમ મહિલા અને ઓર્ગેનાઈઝેશન ઑફ આફ્રિકન ફર્સ્ટ લેડીઝ ફોર ડેવલપમેન્ટની અધ્યક્ષ ડૉ. ફાતિમા માદા બાયોના કાર્યાલય સાથે ભાગીદારીમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નેપાળ સરકારની મહિલા, બાળ અને વરિષ્ઠ નાગરિક મંત્રી શારદા શ્રેષ્ઠ, યુએન પોપ્યુલેશન ફંડના સહાયક મહાસચિવ અને કાર્યક્રમ નિર્દેશક પિયો સ્મિથ, ફ્રાન્સ સરકારની માનવ અધિકાર રાજદૂત ઇઝાબેલ રોમ, જર્મનીના ઉપસ્થાયી પ્રતિનિધિ રાજદૂત થોમસ જાહનાઈઝેન, આફ્રિકન યુનિયન તરફથી ડૉ. એન્જેલા માર્ટિનસ, ડોમિનિકન રિપબ્લિક સરકારની નેશનલ કાઉન્સિલ ફોર ચિલ્ડ્રન એન્ડ એડોલેસન્ટ્સની કાર્યકારી અધ્યક્ષ લિજિયા જેનેટ પેરેઝ પેના, દ ડિપ્લોમેટિક કુરિયરની સ્થાપક અને સીઇઓ એના રોલ્ડ, યુએન વુમનની પ્રાદેશિક રાજદૂત અને રીજેનરેટિવ હબ્સની સ્થાપક જાહા દુકારેહ, ઇક્વાલિટી નાઉની એન્ડિંગ જેન્ડર બેઝ્ડ વાઇલન્સ ડિરેક્ટર દિવ્યા શ્રીનિવાસન અને જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રનની જનરલ કાઉન્સિલ રચના ત્યાગી સહિત અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીઓ, સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓ, કાનૂનવિદો, નાગરિક સમાજના આગેવાનો અને પીડિતોના હિતરક્ષકો એ એક સ્વરમાં સભ્ય દેશોને “બાળવિવાહ સમાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરવાની” માંગ કરી. તેમનું કહેવું હતું કે આ પગલું બાળવિવાહ વિરુદ્ધ કાયદાના અસરકારક અમલ અને જવાબદારીને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
વિશેષજ્ઞોએ એ પણ ઉલ્લેખ કર્યો કે ઘણા દેશોમાં બાળવિવાહ વિરુદ્ધ કડક કાનૂની માળખું હોવા છતાં તેના નબળા અમલને કારણે આ પ્રથા હજુ પણ ચાલુ છે.
જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન બાળ સુરક્ષા અને બાળ અધિકારોના ક્ષેત્રમાં કાર્યરત નાગરિક સમાજ સંસ્થાઓનું દેશનું સૌથી મોટું નેટવર્ક છે. તેના 250થી વધુ સહયોગી સંગઠનો 2030 સુધી ભારતમાં બાળવિવાહનો અંત લાવવા માટે 451 જિલ્લાઓમાં મેદાન પર કાર્ય કરી રહ્યા છે. આ નેટવર્કે સરકારની એજન્સીઓ, સ્થાનિક વહીવટીતંત્ર, કાયદો અમલ કરાવતી એજન્સીઓ અને ફ્રન્ટલાઇન કાર્યકરોના સહયોગથી છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં અંદાજે 5 લાખ જેટલા બાળવિવાહ અટકાવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ