સુરત જિલ્લા પંચાયત અને ટોયોટાની ભાગીદારીથી સુરત જિલ્લાની ગ્રામ્ય શાળાઓ માટે ‘ડિજિટલ ક્લાસરૂમ ઓન વ્હીલ્સ’
સુરત, 11 માર્ચ (હિ.સ.) : આજના સમયને ડિજિટલ પરિવર્તન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગ તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ પ્રાથમિક સ્તરથી જ ડિજિટલ સાધનો સાથે પરિચિત બને અને ટેક્નોલોજી
Surat


સુરત, 11 માર્ચ (હિ.સ.) : આજના સમયને ડિજિટલ પરિવર્તન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગ તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ પ્રાથમિક સ્તરથી જ ડિજિટલ સાધનો સાથે પરિચિત બને અને ટેક્નોલોજી સાથે આત્મવિશ્વાસપૂર્વક કાર્ય કરવાની કુશળતા વિકસાવે તે આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગયું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ડિજિટલ સાક્ષરતા અને લેટેસ્ટ ટેક્નોલોજીઓનો પ્રાયોગિક અનુભવ ખૂબ મહત્વપૂર્ણ છે. આવા ઉપક્રમો ખાસ કરીને સરકારી અને ગ્રામ્ય શાળાઓના વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયક છે, કારણ કે તે ડિજિટલ સાક્ષરતા લાવવામાં મદદ કરે છે અને ભવિષ્યમાં રોજગારના અવસરોને મજબૂત બનાવે છે.

આ દિશામાં, સુરત જિલ્લા પંચાયત અને વિશ્વપ્રસિદ્ધ ઓટોમોબાઇલ કંપની ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. આ પહેલનો હેતુ સુરત જિલ્લાના સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટર શિક્ષણ અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહિત કરવાનો છે. ટોયોટા કંપની વિશ્વભરમાં અદ્યતન ટેક્નોલોજી, નવીનતા અને ઉચ્ચ ગુણવત્તાવાળા વાહનો માટે જાણીતી છે. આ MoU 11 માર્ચ, 2026ના રોજ યોજાયેલી જિલ્લા કારોબારી સમિતિની બેઠક દરમિયાન કરવામાં આવ્યો હતો.

આ કરાર અંતર્ગત, આવનારા શૈક્ષણિક સત્રથી “મોબાઇલ કમ્પ્યુટર એજ્યુકેશન પ્રોગ્રામ” અમલમાં મૂકવામાં આવશે. આ પહેલ દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાસ ડિઝાઇન કરાયેલ ઇલેક્ટ્રિક વાહન બસ (E-Bus) મારફતે કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવશે. આ બસ એક શાળાથી બીજી શાળાએ જઈને શાળા પરિસરમાં જ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર તાલીમ આપશે.

સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ આ મોબાઇલ ઇ-બસ એક ચાલતું ડિજિટલ વર્ગખંડ તરીકે કાર્ય કરશે. તેમાં આધુનિક કમ્પ્યુટર સિસ્ટમો, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, પાવર બેકઅપ સુવિધા અને એર-કન્ડીશનિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેથી વિદ્યાર્થીઓ માટે આરામદાયક અને ઇન્ટરએક્ટિવ શૈક્ષણિક વાતાવરણ સર્જી શકાય. આ મોબાઇલ એકમમાં સંપૂર્ણ મોબાઇલ કમ્પ્યુટર લેબોરેટરીની વ્યવસ્થા હશે, જેના દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક ડિજિટલ તાલીમ મળશે. આ પહેલના અમલીકરણ માટે રાષ્ટ્રીય સ્તરની એક એનજીઓનો સહયોગ લેવામાં આવશે, જે તાલીમ કાર્યક્રમના અમલીકરણમાં સહાય કરશે.

આ કાર્યક્રમ હેઠળ, મોબાઇલ ડિજિટલ વર્ગખંડ (E-Bus)માં એક સમયે અંદાજે 25 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. દર ત્રિમાસિક ગાળામાં અંદાજે 10 થી 15 સરકારી શાળાઓ તથા એક વર્ષમાં લગભગ 50 શાળાઓને આવરી લેવામાં આવશે. આ બસ સુરત જિલ્લાના ગ્રામ્ય અને આદિવાસી તાલુકાઓમાં મુલાકાત લેશે જેથી આ વિસ્તારોના વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી આધારિત શિક્ષણ પ્રાપ્ત થઈ શકે.

તાલીમ સત્રો દરમિયાન વિદ્યાર્થીઓને કમ્પ્યુટરના મૂળભૂત ઉપયોગ, આધારભૂત કમાન્ડ્સ, ટાઈપિંગ કૌશલ્ય, સામાન્ય ઓફિસ પ્રોડક્ટિવિટી એપ્લિકેશન્સ, ક્રિયેટિવ ડિજિટલ ટૂલ્સ, ઇન્ટરનેટ સંશોધન અને માહિતી સાક્ષરતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ટેક્નોલોજીઓનો પરિચય તેમજ ડિજિટલ સલામતી અને સાયબર જાગૃતિ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આ પહેલ વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી પ્રત્યે રૂચી અને જિજ્ઞાસા વધારશે અને આધુનિક શિક્ષણ માટે મજબૂત પાયો પૂરો પાડશે.

શૈક્ષણિક પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે તાલીમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે પ્રી-ટેસ્ટ અને પોસ્ટ-ટેસ્ટ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે. આથી તાલીમ પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓના ડિજિટલ જ્ઞાન અને કૌશલ્યમાં થયેલા સુધારાનું મૂલ્યાંકન કરી શકાશે.

આ પ્રોજેક્ટનો પ્રથમ બે વર્ષનો સંપૂર્ણ ખર્ચ ટોયોટા કંપની દ્વારા તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ હેઠળ વહન કરવામાં આવશે. આ સમયગાળા પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુરત જિલ્લા પંચાયતને હસ્તાંતરિત કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓના હિત માટે આ પહેલ આગળ પણ ચાલુ રાખી શકાય.

જિલ્લા પંચાયત સુરતના પ્રમુખ ભાવિનીબેન એ. પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં આ પ્રકારની પહેલ પ્રથમવાર હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ઇલેક્ટ્રિક વાહન બસ દ્વારા સંચાલિત મોબાઇલ ડિજિટલ વર્ગખંડ ગ્રામ્ય શાળાઓ સુધી સીધું કમ્પ્યુટર શિક્ષણ પહોંચાડશે. પર્યાવરણમિત્ર ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, સાથે સાથે ટેક્નોલોજી શિક્ષણને પણ પ્રોત્સાહિત કરશે.

જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું હતું કે, આજના સમયમાં બાળકો માટે નાની ઉંમરથી જ કમ્પ્યુટરો સાથે પરિચિત થવું અત્યંત જરૂરી છે. ઝડપથી બદલાતી આધુનિક દુનિયામાં ટેક્નોલોજી રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની છે ત્યારે ભવિષ્યના રોજગાર અવસરો ડિજિટલ કૌશલ્યો પર આધારિત રહેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પરિવર્તનના યુગમાં વિદ્યાર્થીઓને આવી ટેક્નોલોજીઓનો પ્રારંભિક પરિચય મળવો અત્યંત જરૂરી છે. આવી પહેલો ડિજિટલ સાક્ષરતા વધારવા ઉપરાંત સુરત જિલ્લાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને નવીનતાની ભાવનાને પણ પ્રોત્સાહિત કરશે.

ટોયોટા ઇન્ડિયાના પ્રતિનિધિએ સુરત જિલ્લા પંચાયત સાથે ભાગીદારી કરતા ગૌરવ વ્યક્ત કતા જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવું એ ટેક્નોલોજી માટે સક્ષમ ભવિષ્યની પેઢી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કાર્યક્રમમાં જોડાયેલા તમામ ઇન્સ્ટ્રક્ટર્સ અને પ્રોજેક્ટ સ્ટાફને ટોયોટાની ટેક્નિકલ ટ્રેનિંગ સિસ્ટમ્સ અને ગુણવત્તા ધોરણો મુજબ તાલીમ આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાની તાલીમ મળી શકે. તેમણે વધુમાં કહ્યું કે, મોબાઇલ વર્ગખંડ માટે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ ટોયોટાની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે સ્વચ્છ મોબિલિટીને પ્રોત્સાહન આપતાં સાથે શિક્ષણ અને સમુદાય વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

જિલ્લા પંચાયત, ટોયોટાના પ્રતિનિધિઓ અને અમલીકરણ ભાગીદારો વચ્ચે પ્રોજેક્ટની વિગતવાર રૂપરેખા નક્કી કરવા માટે પ્રાથમિક બેઠકો હાલ ચાલી રહી છે અને મોબાઇલ ઇ-બસના નિર્માણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ પહેલથી ગ્રામ્ય સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણને નોંધપાત્ર મજબૂતી મળશે, વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને ટેક્નોલોજી પ્રત્યે રૂચી વધશે અને આવશ્યક ટેક્નોલોજીકલ કૌશલ્યો દ્વારા તેમના માટે ભવિષ્યની નવી તકો ખુલશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande