
ગીર સોમનાથ 11 માર્ચ (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુસર સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગોની અનેક સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
વેરાવળ તાલુકાનો ગ્રામ્યકક્ષાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન તા.૧૨ માર્ચને સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા ડોડિયા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવાસેતુમાં સીમાર, કીંદરવા, સારસવા, આદ્રી, વડોદરા ડોડિયા, સીડોકર, સુપાસી, નવાપરા, ડારી અને ચાંડુવાવ ગામના લોકો લાભ લઇ શકશે. તેમજ કોડીદ્રા પ્રાથમિક શાળામાં યોજાનાર સેવાસેતુમાં ગુણવંતપુર, માથાસુરિયા, પંડવા, કોડીદ્રા લુંભા, ખંઢેરી, ઇન્દ્રોઇ, રામપરા, ભેટાળી, ઇશ્વરિયા અને મંડોર ગામના લોકો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. તે ઉપરાંત, બોળાસ પ્રાથમિક શાળામાં યોજાનાર સેવાસેતુમાં નાવદ્રા, બોળાસ, કુકરાશ, નાખડા, મેઘપુર, આજોઠા, સોનારિયા, બાદલપરા, બીજ અને કાજલી ગામના લોકોને સેવાસેતુમાં સરકારની વિવિધ યોજનાનો લાભ મળશે.
આ કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે અરજી સ્વીકારવા, દસ્તાવેજોની ચકાસણી, પ્રમાણપત્રોનું વિતરણ તેમજ અનેક સેવાઓનો લાભ આપવામાં આવશે. ઉપરાંત વૃદ્ધ સહાય, વિધવા સહાય, આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ સહિત વિવિધ વિભાગોની સેવાઓ માટે પણ માર્ગદર્શન અને સહાય આપવામાં આવશે.
તાલુકા કક્ષાએ યોજાનાર આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર, તાલુકા પંચાયત અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ