
ગીર સોમનાથ, 11 માર્ચ (હિ.સ.) : કોડિનાર તાલુકાના વડનગર ગામના મહિલા ખેડૂત અજાયબેન પંપાણીયા છેલ્લા અનેક વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતા મેળવી રહી છે. વર્ષ ૨૦૧૨થી પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ છોડીને સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે.
આ અંગે અજાયબેને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨થી અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં હતાં. પરંતુ યોગ્ય પધ્ધતિની ખબર પડતી નહતી. વર્ષ ૨૦૨૧ પછી અમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના કાર્યક્રમો, પ્રવચનો, વિડીયો મારફતે પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન, સરકારની યોજનાઓ વિશે માહિતી મેળવી પધ્ધતિ મુજબ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. આજે પ્રાકૃતિક ખેતી થકી શેરડી, બારજરો, ઘઉં, મગ, અડદ સહિતના પાકોનું વાવેતર કરી તેમાંથી મબલક ઉત્પાદન મેળવી રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં તેઓ ગાયના છાણ અને ગાયના મૂત્રથી બનાવાતી જીવામૃત, ઘન જીવામૃત, નીમાસ્ત્ર, બ્રહ્માહસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવી દવાઓનો ઉપયોગ કરે છે. આ પધ્ધતિથી જમીનની ઉર્વરતા જાળવવામાં મદદ મળે છે તેમજ પાકમાં રાસાયણિક ઝેર રહેતું નથી. પરિણામે ઉત્પાદનની ગુણવત્તા સારી રહે છે અને ખેતી ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ જીવામૃત, ઘન જીવામૃત, નીમાસ્ત્ર, બ્રહ્માહસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક કેવી રીતે બનાવવું તે શીખવા મળ્યું છે. તેમજ આ શીખ્યા બાદ હવે તો અન્ય બહેનોને પણ હું પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરું છું. તેમજ રાજ્ય સરકારની બીઆરસી યોજનાનો લાભ લીધો છે. તેમાં રૂ.૬૦ હજારની સહાય મળતા પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન મળ્યું છે.
પ્રાકૃતિક ખેતી જમીન, પાણી અને માનવ આરોગ્ય માટે લાભદાયી સાબિત થઈ રહી છે. અજાયબેન પંપાણીયા જેવા પ્રગતિશીલ મહિલા ખેડૂતોના પ્રયાસો અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ