જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે ‘જલ અર્પણ દિવસ’ની ઉજવણી કરાઈ
જામનગર, 11 માર્ચ (હિ.સ.) : “જળ એ જ જીવન છે”ના સંદેશને સાર્થક બનાવવાના હેતુથી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં ‘જલ અર્પણ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ગામની શાળાના વિદ્
જલ અર્પણ દિવસ


જામનગર, 11 માર્ચ (હિ.સ.) : “જળ એ જ જીવન છે”ના સંદેશને સાર્થક બનાવવાના હેતુથી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં ‘જલ અર્પણ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીથી કરવામાં આવી હતી. બાળકોએ પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે પાણી બચાવવાનો સંદેશ આપ્યો હતો.

રેલી દરમિયાન “પાણી બચાવો, જીવન બચાવો” જેવા સૂત્રો સાથે ગ્રામજનોમાં જળ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ત્યારબાદ ગામના જળસ્ત્રોતો પાસે ગ્રામજનોએ પરંપરાગત રીતે નાડા-છડી બાંધી જળ પૂજન કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ જળ સ્ત્રોતોની યોગ્ય સંભાળ અને જાળવણી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટરે પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, પાણીનો સંયમપૂર્વક ઉપયોગ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે ગ્રામજનોને પાણી બચાવવા અને જળ સંરક્ષણ માટે સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કલેક્ટરના હસ્તે ‘ગ્રામ જલ સ્વચ્છતા સમિતિ’ને ‘જલ કલશ’ અને ‘પ્રશસ્તિ પત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ પાણીના વિતરણ અને વ્યવસ્થાપન માટે જરૂરી સાધનોની વિશેષ કિટ પણ સમિતિને સોંપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande