
જુનાગઢ, 11 માર્ચ (હિ.સ.) જૂનાગઢ ખાતેની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ દ્વારા તાજેતરમાં કોલેજના તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ 'લર્નિંગ એન્ડ એક્સપોઝર કમ સ્ટડી ટુર'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર વ્યાવહારિક જ્ઞાન પૂરું પાડવાનો અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોમાં સહભાગી બનાવી તેમના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો હતો.
આ સ્ટડી ટુર અંતર્ગત ધારી ખાતે યોગીજી મહારાજ વાણિજ્ય અને વિનયન મહાવિદ્યાલયમાં 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારમાં કોલેજના 74 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં યુપીએસસી (UPSC) ના પૂર્વ ચેરમેન મનોજ સોની અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સેમિનારમાં સક્રિય રીતે જોડાયેલા તમામ 74 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે વિદ્યાર્થીઓએ ગળધરા ખોડિયાર મંદિરે દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ આંબરડી સફારી પાર્કની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ એશિયાટિક સિંહોની પ્રકૃતિ, તેમના વર્તન, જંગલના ઇકોસિસ્ટમ અને સિંહોના સંવર્ધન અંગે રસપ્રદ માહિતી મેળવી સિંહ દર્શનનો અદભુત લ્હાવો લીધો હતો.
આ સમગ્ર પ્રવાસમાં ૫૧ વિદ્યાર્થીનીઓ સહિત કુલ 74 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આચાર્ય ડો. જે. આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રવાસના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ભાવસિંહ બારડ, સિનિયર પ્રાધ્યાપક આર. એચ. પરમાર, ડો. દીના લોઢીયા, ડો. ભરત રાઠોડ, પ્રાધ્યાપક ભાવિક ચાવડા તેમજ અમિતઆચાર્યએ વિદ્યાર્થીઓની સલામતી અને વ્યવસ્થાપનની જવાબદારી નિભાવી હતી. આ સફળ આયોજન માટે માટે કોલેજના આચાર્યએ તમામ પ્રાધ્યાપકગણ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ