
જુનાગઢ 11 માર્ચ (હિ.સ.) કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન વેટરનરી કોલેજ, જૂનાગઢ ખાતે બી.વી.એસ.સી. એન્ડ એ.એચ.નો સાડા પાંચ વર્ષનો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ૧૩મી બેચના ૬૬ વિદ્યાર્થીઓ માટે વેલીડીક્ટ્રી- વિદાય સમારંભ યોજાયો હતો. મહત્વનું છે કે, કામધેનુ યુનિવર્સિટી બન્યા બાદની આ પ્રથમ બેચ છે, જેણે પોતાનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી પશુચિકિત્સાના ક્ષેત્રમાં વ્યાવસાયિક કદમ માંડ્યા છે.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. બી. કે. અસવારે જણાવ્યું હતું કે, વેટરનરી ક્ષેત્રના વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં ખેડૂતો અને પશુપાલકોના આર્થિક તથા સામાજિક હિત માટે અત્યંત નિષ્ઠાપૂર્વક સેવાઓ આપવી જોઈએ. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પશુપાલન વિભાગના રીજીયોનલ જોઈન્ટ ડાયરેક્ટર ડૉ. અમિત એન. કાનાણીએ પશુ ચિકિત્સા વિજ્ઞાનમાં રહેલી વિશાળ તકો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બેક્ટેરિયા અને વાયરસ સંબંધિત સંશોધનો તેમજ વૈશ્વિક સંસ્થાઓ સાથેના પોતાના અનુભવો જણાવી વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે અતિથિ વિશેષ અને બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. આર. પી. ભટ્ટે ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં પશુપાલનનું મહત્વ સમજાવી, વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યે સમર્પિત ભાવે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. આર. ડી. સિંહે મહાનુભાવોનો પરિચય આપ્યો હતો અને ડૉ. વિરલ ગામિત દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પશુ ઉછેર કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એમ. ડી. ઓડેદરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટર્નશિપ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ચાવડા ઉદયસિંહ અને મહેતા મેઘાવીએ પોતાના પાંચ વર્ષના શૈક્ષણિક અનુભવો વાગોળ્યા હતા અને અધ્યાપકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એકેડેમિક ઇન્ચાર્જ ડૉ. વિરલ ગામિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંયોજક ડૉ. આર. જે. પાડોદરાએ આભાર વિધિ કરી હતી.
.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ