
મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) : મહેસાણા મહાનગરપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકો સુધી પહોંચે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ નાગરિકોની જનસમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરુ પાડવાનો છે.
મહેસાણા મહાનગરપાલિકાની માહિતી અનુસાર આ સેવાસેતુ કાર્યક્રમ 13 માર્ચ 2025ના રોજ સવારે 9:00 કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન સુવિધા કેન્દ્ર, ટી.બી. રોડ, મહેસાણા ખાતે યોજાશે. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવશે તેમજ જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં નાગરિકોને પોતાની સમસ્યાઓ અને અરજીઓ રજૂ કરવાની તક મળશે, જેથી સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ શક્ય તેટલું નિરાકરણ લાવવામાં આવશે. સેવાસેતુ કાર્યક્રમ દ્વારા સરકારની યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ કાર્યક્રમમાં વધુમાં વધુ ઉપસ્થિત રહી સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને છેવાડાના લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓ પહોંચે અને કોઈપણ યોગ્ય લાભાર્થી વંચિત ન રહે તે માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR