

મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) : મક્કેન ઈન્ડિયા પ્રા. લિમિટેડ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથોની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને મહિલાશક્તિને સન્માન આપવા સાથે આત્મનિર્ભરતા અને સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્વ-સહાય જૂથો દ્વારા મહિલાઓ કેવી રીતે સ્વરોજગાર તરફ આગળ વધી રહી છે અને પરિવાર તથા સમાજમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ મહિલાઓને પોતાના હક્કો, સ્વાસ્થ્ય અને શિક્ષણ અંગે જાગૃત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓના અનુભવો અને સફળતા કથાઓ પણ શેર કરવામાં આવી હતી, જે અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની હતી.
આયોજકોના જણાવ્યા મુજબ પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમને સામાજિક તેમજ આર્થિક રીતે સશક્ત બનાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આ ઉજવણી મહિલાઓ માટે પ્રેરણાદાયક અને ઉત્સાહવર્ધક બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR