
મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) : વિજાપુર પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ કુલ રૂ. 1,72,981 કિંમતના 10 નંગ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ વિજાપુર પોલીસ દ્વારા મોબાઈલ ફોન ગુમ થવાના કેસોની તપાસ દરમિયાન ટેકનિકલ સહાય અને સાયબર સેલની મદદથી વિવિધ સ્થળોથી મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને આ મોબાઈલ ફોન તેમના માલિકોને પરત આપવામાં આવ્યા હતા.
મોબાઈલ ફોન પરત મળતા નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ઘણા લોકો માટે મોબાઈલ ફોન માત્ર સંચાર સાધન જ નહીં પરંતુ મહત્વપૂર્ણ માહિતી અને વ્યક્તિગત ડેટા સાથે જોડાયેલ હોય છે. તેથી ગુમ થયેલો મોબાઈલ પરત મળવો તેમના માટે મોટી રાહત સમાન બન્યો હતો.
વિજાપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. પોલીસ અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે મોબાઈલ ગુમ થાય અથવા ચોરી થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરી જરૂરી કાર્યવાહી કરાવવી જોઈએ
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR