
ભાવનગર ,11 માર્ચ (હિ.સ.)શહેરમાં ઘન કચરાના યોગ્ય સંચાલન અને પર્યાવરણને સ્વચ્છ રાખવાના હેતુસર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિવિધ પ્રોજેક્ટ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી તથા અધિક મદદનીશ ઇજનેરશ્રી દ્વારા કુંભારવાડા ડમ્પ સાઈડ ખાતે આવેલ C&D (કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન) વેસ્ટ પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમિયાન અધિકારીઓએ પ્લાન્ટ ખાતે ચાલી રહેલા કામકાજની વિસ્તૃત સમીક્ષા કરી હતી. કન્સ્ટ્રક્શન અને ડેમોલિશન વેસ્ટના યોગ્ય રીતે સંચાલન અને પ્રક્રિયા અંગે માહિતી મેળવી કામની ગતિ અને ગુણવત્તા અંગે એજન્સી પાસેથી વિગતો મેળવી હતી.આ પ્રસંગે અધિકારીઓ દ્વારા પ્લાન્ટના કામગીરી સ્થળનું નિરીક્ષણ કરી કચરાના યોગ્ય સંગ્રહ, અલગવણી અને રિસાયક્લિંગ પ્રક્રિયા સુચારૂ રીતે કરવામાં આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્લાન્ટમાં ચાલી રહેલા કામને સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે તે માટે સંબંધી એજન્સીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.C&D વેસ્ટ પ્લાન્ટ શહેરમાં નિર્માણ અને તોડફોડમાંથી નીકળતા કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રકારના પ્લાન્ટ દ્વારા કચરાને પુનઃપ્રક્રિયા કરીને ઉપયોગી સામગ્રીમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેનાથી પર્યાવરણ પર પડતા નકારાત્મક પ્રભાવને ઓછો કરી શકાય છે. શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના ઉદ્દેશ સાથે આવા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ આવા પ્રોજેક્ટ્સના કામકાજની નિયમિત રીતે મુલાકાત લઈને તેની કામગીરી વધુ અસરકારક બને તે માટે પ્રયત્ન કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT