
સુરત, 11 માર્ચ (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પારદર્શક અને ઝડપી રીતે પહોંચે તેવા હેતુથી સુરત મહાનગરપાલિકાના નવા પૂર્વ (સરથાણા) ઝોન ખાતે 101મો ‘સેવાસેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનથી યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 2119 લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી 11તબક્કામાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમો દ્વારા કુલ 2,05,432 લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં 58જેટલી વિવિધ સરકારી સેવાઓ આપવામાં આવી હતી. જેમાં આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, આધાર કાર્ડ અપડેશન, આરોગ્યલક્ષી યોજનાઓ, વિધવા સહાય, પી.એમ. સ્વાનિધિ યોજના, વ્યવસાય વેરો અને પ્રોપર્ટી ટેક્ષ જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ અરજીઓનો નિકાલ કરીને સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ આપી ‘સ્થળ પર સેવા’ પૂરી પાડવામાં આવી હતી. રાજ્ય સરકારની આ પહેલને કારણે નાગરિકોમાં ઉત્સાહ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીના હસ્તે લાભાર્થીઓને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના સહાય પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં કોર્પોરેટરો, અગ્રણીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, વહીવટી તંત્રના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને શહેરીજનો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે