
પાટણ, 11 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુરમાં બોર્ડ પરીક્ષા દરમિયાન 17 વર્ષીય કિશોરીને ફોટા બતાવી બ્લેકમેલ કરી ધમકી આપવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘટનાથી પરેશાન થઈ કિશોરીએ ઘઉંમાં નાખવાની દવા પી લીધી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ધોરણ 12માં અભ્યાસ કરતી કિશોરીની બોર્ડ પરીક્ષા સિદ્ધપુરની એક શાળામાં ચાલી રહી હતી. વિપુલજી નામનો યુવક તેને સ્કૂલે આવતા-જતા જોતો અને અભદ્ર ટિપ્પણીઓ કરતો હતો, જ્યારે સાહરજી તેની મદદ કરતો હતો.
5 માર્ચે મનોવિજ્ઞાનના પેપરના દિવસે કિશોરીના પિતા તેને પરીક્ષા કેન્દ્ર પર મૂકવા ગયા હતા. પિતા થોડા સમય માટે બહાર ગયા ત્યારે વિપુલ અને સાહરજી કિશોરી પાસે આવી તેના મોબાઈલમાં તેના ફોટા બતાવી ધમકી આપી કે સંબંધ નહીં રાખે તો ફોટા વાયરલ કરી દેશે. પિતા આવી જતા બંને બાઈક પર ભાગી ગયા હતા.
પરીક્ષા બાદ કિશોરીએ સમગ્ર ઘટના પિતાને જણાવી હતી. ત્યારબાદ 6 માર્ચે તણાવમાં આવી તેણે દવા પી લીધી હતી. સારવાર બાદ સ્વસ્થ થતા 10 માર્ચે કાકોશી પોલીસ સ્ટેશનમાં વિપુલજી અને સાહરજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ