
ભાવનગર, 11 માર્ચ (હિ.સ.) : ગારિયાધાર તાલુકામાં આવેલ પીએમ શ્રી પરવડી કે.વ.શાળામાં શાળાની શિક્ષિકા બહેનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના જાંબાઝ શિક્ષક પરેશકુમાર હિરાણી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સેવા આપતી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતી શિક્ષિકા બહેનોને “નારી રત્ન” તરીકે સન્માનિત કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન પરેશકુમાર હિરાણી દ્વારા શિક્ષિકા બહેનોને શાલ ઓઢાડીને, સન્માનપત્ર અર્પણ કરીને અને ફૂલહાર પહેરાવીને તેમના કાર્યની કદર કરવામાં આવી હતી. મહિલાઓ સમાજના દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને શિક્ષણ ક્ષેત્રે મહિલાઓનું યોગદાન અતિ મહત્વનું છે તે બાબત પર પણ આ પ્રસંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પરેશકુમાર હિરાણી ભાવનગર જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત છે તેમજ વિશ્વ વંદનીય પ.પુ. મોરારીબાપુના વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે સતત નવીન પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓમાં પ્રેરણા જગાવતી પ્રવૃત્તિઓ માટે જાણીતા છે.મહિલા દિનની આ ઉજવણી દરમિયાન શિક્ષિકા બહેનોના સમર્પણ, મહેનત અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓને પણ મહિલાઓના સશક્તિકરણ અને સમાજમાં તેમના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારના તમામ શિક્ષકો અને સ્ટાફ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ અંતે સૌએ મહિલા સશક્તિકરણનો સંદેશ આપતા શિક્ષિકા બહેનોના કાર્યને વધાવી તેમની સેવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT