
સુરત, 11 માર્ચ (હિ.સ.) : શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા યુવકે પોતાની પત્ની પર અન્ય વ્યક્તિ સાથે તે વાતચીત કરતી હોવાનો શક વહેમ રાખી તેમની સાથે ઝઘડો કરી દુપટ્ટો વડે ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. જેથી આખરે બનાવને પગલે પરણીતાના ભાઈએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તેના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર દિલીપભાઈ માળી ના લગ્ન 9 મહિના પહેલા તેમના સગા મામા ની દીકરી ગીતાંજલી સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ સુરતમાં કૃષ્ણનગર સોસાયટીમાં જ ઘરમાં સાથે વસવાટ કરતા હતા. લગ્નજીવન દરમિયાન જીતેન્દ્ર માળી તેમની પત્ની પર અન્ય વ્યક્તિ સાથે તે વાતચીત કરતી હોવાનો શક વહેમ રાખી અવારનવાર તેની સાથે ઝઘડો કરતો હતો. આ દરમિયાન ગત તારીખ 9/3/2026 ના રોજ સવારે 8:45 વાગ્યાના અરસામાં પણ જીતેન્દ્રએ તેમની પત્ની ગીતાંજલિ સાથે આ જ બાબતે ઝઘડો કરી દુપટ્ટા વડે તેનો ગળું દબાવી દઈ હત્યા કરી નાખી હતી. જેથી આખરે બનાવને પગલે ગીતાંજલિના પરિવારજનોને જાણ થતા તેઓ ઘટના સ્થળ આવી પહોંચ્યા હતા. જેમાં ગીતાંજલીના સગાભાઈ મહેન્દ્ર છોટુ માળીએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ફરિયાદના આધારે જીતેન્દ્ર માળી સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે