
પાટણ, 11 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામમાં એક રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ ડીઝલનો જથ્થો ઝડપાયો છે. પોલીસે મેવાજી અનારજી ઠાકોરના ઘરેથી આ જથ્થો કબજે કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સિદ્ધપુર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કનેસરા ગામે પહોંચી હતી. તે સમયે એક શખ્સ પોલીસને જોઈને નાસવાનો પ્રયાસ કરતા પોલીસે તેને ઝડપી પૂછપરછ કરી હતી, પરંતુ તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
પોલીસે ત્યારબાદ તેના ઘરની તપાસ કરતા ઓસરીમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલું ડીઝલ મળી આવ્યું. તપાસ દરમિયાન 35 લીટર ડીઝલ ભરેલા બે કેરબા કબજે કરવામાં આવ્યા હતા, જેની કિંમત રૂ. 3150 આંકવામાં આવી છે.
આ ઉપરાંત ખાલી કેરબા, માપિયું અને ગળણી જેવી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. આરોપીએ કોઈ ફાયર સેફ્ટી વ્યવસ્થા વગર ડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ કર્યો હોવાથી અન્ય લોકોના જીવ જોખમમાં મુકાતા પોલીસે તેની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ