
જુનાગઢ, 11 માર્ચ (હિ.સ.) : જૂનાગઢ ખાતેની બહાઉદ્દીન આર્ટ્સ કોલેજમાં ઇનોવેશન ક્લબ તથા SSIP (Student Startup and Innovation Policy) સેલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં નવીનતા, સર્જનાત્મકતા અને સ્ટાર્ટઅપ પ્રત્યે અભિગમ કેળવવાના હેતુથી બે અલગ-અલગ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં IPR (બૌદ્ધિક સંપત્તિ અધિકારો), પ્રોટોટાઇપ ડિઝાઇન તેમજ ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં રહેલી તકો જેવા અદ્યતન વિષયો પર ૫૦ જેટલા વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના SSIP કો-ઓર્ડિનેટર ડૉ. મૃણાલ અંબાસણાએ પ્રોટોટાઇપ ડિઝાઇનની પ્રક્રિયા અને નવીન વિચારોને મૂર્ત સ્વરૂપ આપવાની પદ્ધતિઓ સમજાવી હતી. તેમણે ખાસ કરીને બૌદ્ધિક સંપત્તિ અધિકારો (IPR) ના મહત્વ પર ભાર મૂકી, વિદ્યાર્થીઓ પોતાના મૌલિક આવિષ્કારોનું કાનૂની રક્ષણ કેવી રીતે મેળવી શકે તે અંગે ટેકનિકલ જાણકારી પૂરી પાડી હતી.
કાર્યક્રમમાં અન્ય નિષ્ણાત અને લાઈફ સાયન્સિસ વિભાગના પ્રોફેસર ડૉ. સુહાસ વ્યાસે ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ક્ષેત્રે આપવામાં આવતી વિવિધ ગ્રાન્ટ્સ અને સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે રાજ્ય સરકારની ઇનોવેશન પોલિસી હેઠળ વિદ્યાર્થીઓ કેવી રીતે આર્થિક અને માળખાગત મદદ મેળવીને પોતાના પ્રોજેક્ટ્સને વ્યાવસાયિક સ્તરે લઈ જઈ શકે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ સમગ્ર આયોજન કોલેજના આચાર્ય ડૉ. જે.આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન તથા SSIP સેલના કો-ઓર્ડિનેટર ડૉ. દીપિકા કેવલાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડૉ. જે.જે. વ્યાસ, ડૉ. આર.એચ. પરમાર, ડૉ. દિના લોટીયા, ડૉ. જિગ્નેશ કાચા, ડૉ. મેઘરાજ જાડેજા, ડૉ. ચંદ્રકાંત વણકર તથા ડૉ. રચના વાઘેલાએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ