
સુરત, 12 માર્ચ (હિ.સ.): સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીના પાંચ માળના વેરહાઉસમાં અચાનક આગ લાગતાં ભારે હાહાકાર મચી ગયો હતો. વેરહાઉસમાં સોલવન્ટ અને અન્ય જ્વલનશીલ કેમિકલ ભરેલા ડ્રમ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ડ્રમોમાં લાગેલી આગને કારણે એક પછી એક મળીને 30થી વધુ બ્લાસ્ટ થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.
શરૂઆતમાં કંપનીના આંતરિક ફાયર સેફ્ટી સ્ટાફ દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આગ કાબૂ બહાર જતા અંતે સુરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે લગભગ ચાર કલાકની ભારે મહેનત બાદ આગને નિયંત્રણમાં લીધી હતી, જ્યારે કુલિંગની કામગીરી રાત્રે એક વાગ્યા સુધી ચાલુ રહી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વેરહાઉસની ટેરેસ પર ગેરકાયદે પતરાનો ડોમ બનાવવામાં આવ્યો હતો. આ ડોમને કારણે ફાયર બ્રિગેડના જવાનોને ઉપરથી પાણીનો મારો કરવામાં મુશ્કેલી પડી હતી. આસપાસની કેટલીક પ્લાયવુડ અને ટિમ્બર કંપનીઓમાં પણ પૂરતી ફાયર સેફ્ટી સુવિધાઓ ન હોવાની માહિતી સામે આવી રહી છે.
આગ દરમિયાન થયેલા બ્લાસ્ટના કારણે બાજુમાં આવેલી પ્લાયવુડ કંપનીઓ તથા અન્ય ગોડાઉનમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. એક મિલનું બે માળનું સ્ટ્રક્ચર પણ ધસી પડતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન એક કંપનીના માલિકે ફાયર અધિકારીઓ સાથે બોલાચાલી પણ કરી હતી.
આ વિસ્તારમાં અગાઉ પણ કેમિકલ કંપનીમાં આગની ગંભીર ઘટના બની ચૂકી છે, જેમાં ઘણા લોકોના જીવ ગયા હતા. તે છતાં સુરક્ષા વ્યવસ્થામાં ખાસ સુધારો ન થતાં હવે ફરી એકવાર કંપનીઓની બેદરકારી સામે આવી છે. સમગ્ર મામલે FSL દ્વારા આગના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને ગેરકાયદે બાંધકામ તથા ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે