
પાટણ, 12 માર્ચ (હિ.સ.)પાટણના સેવન ઈલેવન કોમ્પ્લેક્સ સ્થિત સદારામ ક્લાસીસ દ્વારા ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં પોલીસ કોન્સ્ટેબલ અને PSIની લેખિત પરીક્ષાની તૈયારી માટે તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં હાલ લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.
સંચાલક દાદુજી ઠાકોરે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને અગાઉ માર્ગદર્શન માટે ગાંધીનગર જવું પડતું હતું, જ્યાં 25 થી 30 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હતો. આ મુશ્કેલી દૂર કરવા પાટણમાં જ મફત કોચિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી સમાજના યુવાનો આર્થિક ભાર વગર તૈયારી કરી શકે.
આ સેવા માટેનો સમગ્ર ખર્ચ સદારામ સેવા સમિતિના ચેરમેન બાબાભાઈ ભરવાડ ઉઠાવી રહ્યા છે. હાલમાં પોલીસ ભરતી માટે બે બેચ ચાલુ છે અને આગામી સોમવારથી અગ્નિવીર આર્મી માટે નવી બેચ શરૂ થશે. ભવિષ્યમાં GPSC અને UPSC જેવી પરીક્ષાઓ માટે પણ ક્લાસીસ શરૂ કરવાની યોજના છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ