
પાટણ, 12 માર્ચ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના વાઘણા ગામની સીમમાંથી ઘાસચારો અને પાણીની કોઈ વ્યવસ્થા વગર ડાલામાં ખીચોખીચ બાંધીને લઈ જવાતી બે દેશી ગાયોને કાકોશી પોલીસે ઝડપી પાડી હતી. આ ઘટના 11 માર્ચ 2026ના રોજ બપોરના સમયે બની હતી.
ફરિયાદી બીજલજી વેલુજી ઠાકોર અને અન્ય સાહેદો વાઘણા ગામે દાદાભાના મંદિર આગળ બેઠા હતા ત્યારે જી.જે.05 યુ.યુ. 6263 નંબરનું ડાલું પૂરઝડપે પસાર થયું. ડાલામાં પાછળ ગાયો ભરેલી દેખાતાં તેઓએ પોતાની ગાડીમાં તેનો પીછો કરી ઠાકરાસણ નજીક ડાલાને ઊભું રાખી તપાસ કરી હતી.
તપાસ દરમિયાન બે ગાયોને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવી. પૂછપરછમાં સંતોષકારક જવાબ ન મળતા કાકોશી પોલીસે વિષ્ણુ દેસાઈ, બાબુ દેસાઈ અને મનુભાઈ દેસાઈ વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને બી.એન.એસ.ની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ