
વડોદરા,12 માર્ચ (હિ.સ.) વડોદરા જિલ્લા પંચાયત ભવનના સભાખંડ ખાતે આજે ‘કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન’ અંતર્ગત જિલ્લાના વર્ગ 1-2 ના અધિકારીઓ માટે એક વિશેષ તાલીમ સહ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાંઆવ્યું હતું. આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ શિબિરમાં જિલ્લામાં રહેલા કુપોષિત બાળકોને આ સ્થિતિમાંથી બહાર લાવી તંદુરસ્ત બનાવવા માટેના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ ઉપસ્થિતરહી અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
શિબિરના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, કુપોષણ નિવારણની કામગીરીને માત્ર એક સરકારી ફરજ તરીકે ન જોતા તેને સામાજિક ઉત્તરદાયિત્વ ગણી ‘સેન્સ ઓફ ઓનરશીપ’ સાથે કરવી જોઈએ.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કુપોષિત બાળકોને કુપોષણમુક્ત કરવા માટે માત્ર પોષણ કીટનું વિતરણ પર્યાપ્ત નથી, પરંતુ અધિકારીઓએ પ્રત્યક્ષ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવી અનિવાર્ય છે. બાળકોના વાલીઓ સાથે વ્યક્તિગત સંવાદ સાધી, તેમની ખાણીપીણીની આદતો અને સામાજિક પૃષ્ઠભૂમિ સમજીને અસરકારક કાઉન્સેલિંગ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. કલેક્ટરએ
આગામી બે થી ત્રણ માસમાં અતિ ગંભીર (SAM) અને મધ્યમ ગંભીર (MAM) શ્રેણીના બાળકોને સામાન્ય શ્રેણીમાં લાવવા માટે રસીકરણ, ડીવોર્મિંગ અને ‘બાલ શક્તિ’ પેકેટના મહત્તમ ઉપયોગ તેમજ આંગણવાડીઓમાં શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અધિકારીઓની રૂબરૂ મુલાકાત અને દેખરેખથી જમીન સ્તરે સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. તેમણે ‘પોષણ સંગમ’ કાર્યક્રમના ત્રીજા તબક્કામાં વડોદરા જિલ્લાને સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવવા માટે તમામ વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન સાધી સહયોગ આપવા અપીલ કરી હતી.
મમતા હિરપરાએ અધિકારીઓને દત્તક બાળકોની સંવેદનાસભર સાર-સંભાળ લેવા અને તેમને સુપોષિત કરવા માટે અંગત રસ લેવા અનુરોધ કર્યો હતો.આ શિબિરમાં કુપોષિત બાળકોની ઓળખ કરવાની પદ્ધતિ, કુપોષણના પ્રકારો, તેને દૂર કરવાના ઉપાયો અને ફિલ્ડ વર્ક દરમિયાન લેવાની કાળજીઓ અંગે તકનીકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લામાં કાર્યરત બાળ સંજીવની કેન્દ્રો, બાળ સેવા કેન્દ્ર જેવા બાળ કુપોષણ ઉપચાર કેન્દ્ર (સી.એમ.ટી.એસ.) તથા પોષણ પુનઃસ્થાપન કેન્દ્ર (એન. આર. સી.) જેવા કેન્દ્રોની કામગીરીથી પણ અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર શિબિર બે સત્રમાં યોજાઈ હતી, જેમાં પ્રથમ સત્રમાં સૈદ્ધાંતિક સમજ અને બીજા સત્રમાં બાળકોના વજન-ઊંચાઈ માપવા માટેના સાધનોના ઉપયોગ અંગે પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું.
આ શિબિરમાં તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા સંકલનના અધિકારીઓ ઉપરાંત રાજ્ય વેરા વિભાગ અને પોલીસ ખાતાના અધિકારીઓ પણ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ