દુવાડા પાટિયા પાસે ટેકનિકલ ખામીથી પીકઅપ પલટી, હાઈવે પર એક કલાક ટ્રાફિક અવરોધ
નવસારી, 12 માર્ચ (હિ.સ.): નેશનલ હાઈવે નં. 48 પર દુવાડા પાટિયા નજીક બુધવારે વહેલી સવારે એક પીકઅપ વાહન પલટી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હોવાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ અમદાવ
Navsari


નવસારી, 12 માર્ચ (હિ.સ.): નેશનલ હાઈવે નં. 48 પર દુવાડા પાટિયા નજીક બુધવારે વહેલી સવારે એક પીકઅપ વાહન પલટી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હોવાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી માહિતી મુજબ અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી પીકઅપ સવારે લગભગ 5 વાગ્યે એંધલ નજીક દુવાડા પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે સાઈ સીતારામ હોટલ સામે અચાનક વાહનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રાઈવરનું નિયંત્રણ છૂટી ગયું અને પીકઅપ પલટી ગઈ.

અકસ્માત બનતા જ આસપાસના વાહનચાલકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢ્યો હતો. ઘટનાના કારણે થોડો સમય ટ્રાફિક જામ થયો હતો, પરંતુ હાઈવે પેટ્રોલિંગ પોલીસે સ્થળ પર પહોંચી ક્રેઈનની મદદથી લગભગ એક કલાકમાં પીકઅપને સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો હતો.

આ વિસ્તારમાં તાજેતરમાં થયેલા અન્ય અકસ્માતો બાદ પણ રસ્તા પર પડેલા કાચ અને અન્ય અવશેષોની યોગ્ય રીતે સાફસફાઈ ન થતા ફરી અકસ્માત થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકો દ્વારા આ જવાબદારી સંભાળતી કંપનીની બેદરકારી સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande