સુરતમાં ભાભી સાથેના સંબંધ માટે પુત્રે માતાની હત્યા કરી, લાશ કોથળામાં ભરી ફેંકી
સુરત, 12 માર્ચ (હિ.સ.): સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ નજીક કોથળામાંથી મળી આવેલી 55 વર્ષીય હમીદાખાતૂનની હત્યાનો ગુનો ક્રાઈમ બ્રાન્ચે થોડા જ સમયમાં ઉકેલી લીધો છે. તપાસ દરમિયાન ખુલ્યું કે મૃતકનો નાનો પુત્ર પરવેઝ અને તેની ભાભી શબાના વચ્ચે ગ
Surat


સુરત, 12 માર્ચ (હિ.સ.): સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ નજીક કોથળામાંથી મળી આવેલી 55 વર્ષીય હમીદાખાતૂનની હત્યાનો ગુનો ક્રાઈમ બ્રાન્ચે થોડા જ સમયમાં ઉકેલી લીધો છે. તપાસ દરમિયાન ખુલ્યું કે મૃતકનો નાનો પુત્ર પરવેઝ અને તેની ભાભી શબાના વચ્ચે ગેરકાયદેસર સંબંધ હતો. ઘરમાં સતત થતા ઝઘડા અને તણાવના કારણે બંનેએ મળીને હમીદાખાતૂનને રસ્તામાંથી હટાવવાનું કાવતરું રચ્યું.

પોલીસ મુજબ 10 માર્ચના રોજ પરવેઝ, શબાના અને શબાનાના પિતા ફિરોઝ આલમે મળીને હમીદાખાતૂનનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ મૃતદેહને એક દિવસ સુધી ઘરમાં છુપાવી રાખવામાં આવ્યો અને પછી કોથળામાં ભરી 11 માર્ચે બપોરે હનુમાનજીના મંદિર નજીક ફેંકી દેવામાં આવ્યો.

તપાસ દરમિયાન પોલીસે મહત્વપૂર્ણ પુરાવો તરીકે તે દોરી શોધી કાઢી જે લાશ બાંધવામાં ઉપયોગમાં લેવામાં આવી હતી. આ જ પ્રકારની દોરી મૃતકના ઘરમાંથી પણ મળી આવતા પોલીસે પરિવારના સભ્યો પર શંકા મજબૂત કરી અને વધુ પૂછપરછ હાથ ધરી.

પરવેઝે પોતે જ અમરોલી પોલીસ સ્ટેશનમાં પોતાની માતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસને તેની વાતોમાં વિસંગતતા જણાતા ક્રાઈમ બ્રાન્ચે કડક પૂછપરછ શરૂ કરી, જેમાં પરવેઝ અને શબાના બંને તૂટી પડ્યા અને આખી ઘટનાની કબૂલાત કરી દીધી.

હત્યા પછી શબાનાના પિતા ફિરોઝ આલમ બિહાર ભાગી ગયા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે બિહાર STFની મદદથી તેને પટના રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લીધો. હાલ ત્રણેય આરોપીઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande