

ગાંધીનગર, 12 માર્ચ (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા MLA આવાસ, ગાંધીનગર ખાતે રાજ્યના ધારાસભ્યઓ માટે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં એક વિશેષ યોગ સંવાદ કાર્યક્રમ એક કદમ યોગમય વિધાનસભા તરફ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વસ્થ ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના એક મહત્વપૂર્ણ ભાગરૂપે યોજાયો હતો, જેનો મુખ્ય હેતુ 'વિકસિત ગુજરાત, વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવા માટે લોકપ્રતિનિધિઓના માધ્યમથી યોગને જન-આંદોલન બનાવવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં વધતી જતી ઓબેસિટી -મેદસ્વીતા સામે ચિંતા વ્યક્ત કરી હતી. આ ચિંતાને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિધાનસભા સત્રમાં ચાલુ વર્ષને 'સ્વસ્થ ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' અભિયાન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અને રમતગમત મંત્રી જયરામભાઈ ગામિતના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલની આગેવાનીમાં ઉત્સાહ પૂર્વક સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
વધુમાં 'એક કદમ યોગમય વિધાનસભા તરફ' કાર્યક્રમ થકી રાજ્યના સર્વે ધારાસભ્યઓ પોતાના મતવિસ્તારમાં 'એક બૂથ, એક યોગ ક્લાસ'ના અભિગમ સાથે યોગનો વ્યાપ વધારે અને પોતાની વિધાનસભાને 'યોગમય વિધાનસભા' તરીકે પ્રસ્થાપિત થાય તે દિશામાં આગળ વધવાનું છે.મેદસ્વીતા મુક્ત ગુજરાત: યોગ કેવળ કસરત નથી, પણ જીવન જીવવાની પદ્ધતિ છે. સાત્વિક આહાર અને યોગ દ્વારા નાગરિકોને મેદસ્વીતા અને તેનાથી થતા રોગોથી મુક્ત કરી વિકસિત ગુજરાતના ઘડતરમાં સહભાગી બનવા આપણે સૌએ પ્રયત્ન કરવો પડશે તો જ સારા પરિણામ આવશે. 'સ્વસ્થ મન અને સ્વસ્થ તન' સાથે રાજ્યની વિકાસયાત્રા વધુ આગળ વધશે.
ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધીમાં 50 લાખથી વધુ નાગરિકોને યોગ સાથે જોડવાની યોગ બોર્ડની સફળતાને ધારાસભ્યઓના સહયોગથી પાંચ કરોડ નાગરિકો સુધી પહોંચાડીને વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતની ભૂમિકા અગ્રેસર બનાવવાના ઉમદા હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમ, રાજ્ય યોગ બોર્ડ દ્વારા જણાવાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ