
ગાંધીનગર, 13 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે “Nari-Lead Swachhata” અભિયાન અંતર્ગત 12મી માર્ચના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલા સફાઈ કર્મચારીઓ માટે નિવારક આરોગ્ય તપાસ (Preventive Health Check-up) કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જુદા-જુદા 5(પાંચ) આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલા સફાઈ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સફાઈ કામગીરી સાથે જોડાયેલી મહિલાઓના સ્વાસ્થ્યની જાળવણી અને તેમને રિપ્રોડક્ટિવ હેલ્થ તથા હાઈજીન (સ્વચ્છતા) પ્રત્યે જાગૃત કરવાનો હતો. કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા મહિલાઓના બ્લડ પ્રેશર, બ્લડ શુગર, હિમોગ્લોબિનની તપાસ સહિત ગાયનેક ચેકઅપ જેવી જરૂરી તબીબી તપાસ કરવામાં આવી હતી.
વધુમાં, આગામી ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને કાર્યસ્થળ પર ડીહાઈડ્રેશનથી બચવાના ઉપાયો વિશે પણ કર્મચારીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સ્વચ્છતાના ભાગરૂપે સેનેટરી પેડ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે સફાઈ કર્મચારીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે આવા પ્રેરણાદાયી કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી તેઓ શારીરિક રીતે સ્વસ્થ રહીને પોતાની ફરજો સુવ્યવસ્થિત રીતે બજાવી શકે અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ