
સુરત, 13 માર્ચ (હિ.સ.) સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ–સુરત દ્વારા સમાજમાં સકારાત્મક વિચારધારાના પ્રસાર માટે છેલ્લા ત્રણ વર્ષથી દર ગુરુવારે યોજાતા ‘થર્સ-ડે થોટ્સ: વિચારોનું વાવેતર’ કાર્યક્રમના 150મા પડાવને ‘વિચાર મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. કેનાલ રોડ સ્થિત હેપ્પીનેસ બેન્ક્વેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે છેલ્લા 150 અઠવાડિયાથી યોજાતા ‘થર્સ-ડે થોટ્સ’ કાર્યક્રમમાં રજૂ થયેલા શ્રેષ્ઠ 100 વિચારોના સંકલનરૂપ ‘100 Thoughts Book’નું વિમોચન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતીના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતીએ જણાવ્યું હતું કે, સકારાત્મક વિચારો વ્યક્તિ અને સમાજના વિકાસનો પાયો છે. વિચારોના વાવેતરથી નવી પેઢીમાં ઊર્જા, સકારાત્મકતા અને સંસ્કારનું વટવૃક્ષ વિકસે છે. મનની શુદ્ધિ સત્ય બોલવાથી, આત્માની શુદ્ધિ વિદ્યા અને તપથી તથા બુદ્ધિની શુદ્ધિ જ્ઞાનથી થાય છે. શ્રેષ્ઠ વિચારો અને સંસ્કારો જ મનુષ્યને સાચા અર્થમાં પ્રબુદ્ધ બનાવે છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ઋષિ પરંપરા અને 16 સંસ્કારોનું વિશેષ મહત્વ છે. આ સંસ્કારો વ્યક્તિને વૈચારિક રીતે મજબૂત બનાવે છે અને સમાજને સદ્માર્ગે દોરી જાય છે. નવી પેઢીને સંસ્કાર અને સકારાત્મક વિચારોથી સશક્ત બનાવવું એ જ સાચી રાષ્ટ્રસેવા છે. તેથી આવા કાર્યક્રમોમાં બાળકોને પણ જોડવા જોઈએ, જેથી તેમને જીવનના મૂલ્યો અને અનુભવોનો લાભ મળે.
રાજ્યપાલએ પટેલ સમાજના યોગદાનને બિરદાવતા જણાવ્યું કે, પટેલ સમાજે ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘જનની-જન્મભૂમિ’ પ્રત્યેના પ્રેમને પોતાના વ્યવહાર દ્વારા સાબિત કર્યો છે. પોતાની મહેનતની કમાણીનો હિસ્સો સમાજ અને ગામના વિકાસમાં ખર્ચીને તેઓ રાષ્ટ્રસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ–સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, 16 માર્ચ 2023થી શરૂ થયેલો ‘થર્સ-ડે થોટ્સ’ કાર્યક્રમ આજે 150મા મણકા સુધી પહોંચ્યો છે. હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખીને શરૂ થયેલી આ પહેલને સમાજમાંથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને વિચારોના વાવેતરથી હજારો લોકો પ્રેરિત થયા છે.
યુવા ઉદ્યોગપતિ રાકેશ દુધાતે જણાવ્યું હતું કે, એક સારો વિચાર સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આવનારા સમયમાં આ વિચારયાત્રા વધુ વ્યાપક બને અને વધુ લોકો તેમાં જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડિયા, ઉદ્યોગપતિઓ સવજી વેકરિયા, ઈશ્વર ધોળકિયા, અરવિંદ ધડૂક, ઘનશ્યામ શંકર, મનહર સાસપરા સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે