ગુજરાતનું કૃષિ અને સહકારી મોડેલ રાષ્ટ્ર માટે પથદર્શક: ખેડૂત એ અર્થતંત્રને ધબકતું રાખતી જીવંત ધોરી નસ છે: કૃષિ મંત્રી જીતુ વાઘાણી
ગાંધીનગર, 13 માર્ચ (હિ.સ.) : ગુજરાત વિધાનસભા ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, ગૌસંવર્ધન, સહકાર અને મત્સ્યોદ્યોગ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત અનેક ધારાસભ્યઓએ પોતાના મંતવ્ય
ફાઈલ ફોટો: મંત્રી જીતુ વાઘાણી


ગાંધીનગર, 13 માર્ચ (હિ.સ.) : ગુજરાત વિધાનસભા ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, ગૌસંવર્ધન, સહકાર અને મત્સ્યોદ્યોગ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત અનેક ધારાસભ્યઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ચર્ચાના અંતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

આ વેળાએ કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિધાનસભા ખાતે રાજ્યના કૃષિ અને સહકારી ક્ષેત્રની ઐતિહાસિક સિદ્ધિઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, 40થી વધુ પાકોના વૈવિધ્ય સાથે ગુજરાત આજે દેશનું કૃષિ હબ બન્યું છે. છેલ્લા બે દાયકાના તુલનાત્મક આંકડાઓ રાજ્યની પ્રગતિની સાક્ષી પૂરે છે. ગત બે દાયકામાં….

- કપાસનું ઉત્પાદન 11.61 લાખ ગાંસડીથી વધી 92.48 લાખ ગાંસડી (696% વધારો) અને ઉત્પાદકતા 122થી વધી 586 કિગ્રા/હેક્ટર (379% વધારો)

- મગફળીનું ઉત્પાદન ૬.૮૮ લાખ મે.ટનથી વધી ૪૬.૪૬ લાખ મે.ટન (૫૭૫% વધારો) અને ઉત્પાદકતા ૩૯૮ થી વધી ૨૭૪૦ કિગ્રા/હેક્ટર (૫૮૮% વધારો)

- દિવેલાના ઉત્પાદનમાં ૧૫૦% અને ઉત્પાદકતામાં ૫૮% નો વધારો.

- કઠોળના ઉત્પાદનમાં ૭૩૩% અને તેલીબિયાંમાં ૩૪૭% નો અભૂતપૂર્વ વધારો.

- ધાન્ય પાકોના ઉત્પાદનમાં ૨૭૦% અને ઉત્પાદકતામાં ૧૮૧% ની વૃદ્ધિ.

મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગીરની 'કેસર કેરી', ભાલના 'ભાલિયા ઘઉં', કચ્છની 'ખારેક' અને 'વલસાડી ચીકુ'ને G.I. ટેગ મળ્યો અને વૈશ્વિક ઓળખ બની છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનએ ખેડૂતોને ખર્ચના દોઢ ગણા ભાવ મળે તેવી ઐતિહાસિક નીતિ અમલી કરી છે. ૨૦૧૩-૧૪ અને ૨૦૨૫-૨૬ વચ્ચે MSP એટલે કે, ટેકાના ભાવમાં અનેકગણી વૃદ્ધિ થઈ છે. વડાપ્રધાનએ દેશનું નેતૃત્વ સંભાળ્યા બાદ….

- ધાન્ય પાકોના ટેકાના ભાવમાં ૮૧% થી ૧૪૭% નો વધારો.

- કઠોળ પાકોના ટેકાના ભાવમાં ૮૧% થી ૯૫% અને તેલીબિયાં પાકોના ટેકાના ભાવમાં ૮૨% થી ૧૧૯% સુધીનો વધારો.

- રોકડિયા પાકોમાં કપાસ અને શેરડી પાકના ટેકાના ભાવમાં ૭૦% થી ૧૦૩% નો વધારો.

વિવિધ પાકોની ખરીદી અંગે મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતે છેલ્લા ૫ વર્ષમાં ટેકાના ભાવે કુલ રૂ. ૩૯,૧૫૫ કરોડના મૂલ્યના કુલ ૫૯.૮૭ લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થાની વિક્રમજનક ખરીદી કરી છે.

કુદરતી આપત્તિઓમાં પણ સરકાર હરહંમેશ ખેડૂતોની ઢાલ બનીને સંપૂર્ણ સંવેદના સાથે ઊભી રહી છે. ચાલુ વર્ષે ખેડૂતો પર આવેલી આફતમાં રાજ્ય સરકારે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરીને અત્યાર સુધીમાં ૩૩.૨૧ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને રૂ. ૯,૭૫૯ કરોડથી વધુની સહાય ચૂકવી છે. જ્યારે, છેલ્લા ૫ વર્ષમાં સરકારે કુલ ૫૩ લાખથી વધુ ખેડૂત લાભાર્થીઓને આપદાઓ સમયે કુલ રૂ. ૧૨,૯૦૦ કરોડથી વધુની સહાય ચૂકવી છે.

મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાત ખેતીને આધુનિક ટેકનોલોજી સાથે જોડી રહ્યું છે. તેમણે જણાવ્યું કે,

- i-Khedut 2.0 સાથે રાજ્યના ૧૮ લાખથી વધુ ખેડૂતો નોંધાયેલા છે.

- AI અને એપ્લિકેશન: 'કૃષિ પ્રગતિ' એપ અને AI ચેટબોટ દ્વારા ૩.૫૪ લાખ સમસ્યાઓનું નિવારણ અને ૬૦,૦૦૦ કિસ્સામાં રોગ-જીવાતની ઓળખ.

- ડિજિટલ ક્રોપ સર્વે: ૮૦ લાખથી વધુ સર્વે નંબરમાં જીઓ-ટેગિંગ દ્વારા સર્વે અને ૫૯ લાખ ખેડૂતોને 'ફાર્મર આઈડી' આપી ગુજરાત દેશમાં અગ્રેસર છે.

- યાંત્રીકરણ અને પિયત: ૧૯૯૫ની સરખામણીએ ટ્રેક્ટર રજીસ્ટ્રેશનમાં ૪૪૫% નો વધારો અને પિયત વિસ્તાર ૨૯ લાખ હેક્ટરથી વધી ૧૦૯ લાખ હેક્ટર થયો છે.

- કૃષિના વિવિધ વિષયો પરત્વે ૪૫ કરોડથી વધુ કૃષિ સંબંધી એડવાઇઝરીના એસ.એમ.એસ. (SMS) થી કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું

✓ વિજ વપરાશ : ગુજરાત રાજ્યમાં વર્ષ ૧૯૯૦-૯૧ માં કૃષિ વીજ વપરાશ ૫૬૭૮ મિલિયન યુનીટ હતો. વર્ષ ૨૦૨૩-૨૪ માં ક્રમશ વધારો થતાં કુલ વીજ વપરાશમાં કૃષિનો વપરાશ ૨૧,૬૦૯ મિલિયન યુનીટ થયેલ છે.

✓ પિયત વિસ્તાર: વર્ષ ૧૯૯૦-૯૧ માં ગુજરાત રાજ્યનો કુલ પિયત વિસ્તાર ૨૯.૧૫ લાખ હેક્ટર હતો જેમાં ક્રમશ: ૨૭૫% નો વધારો થતાં વર્ષ ૨૦૨૪-૨૫ માં કુલ પિયતવિસ્તાર ૧૦૯ લાખ હેક્ટર થયેલ છે.

✓ વાવેતર વિસ્તાર: વર્ષ ૧૯૯૦-૯૧ માં ગુજરાત રાજ્યનો કુલ વાવેતર વિસ્તાર ૧૦૬ લાખ હેક્ટર હતો, જેમાં ક્રમશ: ૪૦% વધારો થતાં વર્ષ ૨૦૨૪-૨૫ માં કુલ વાવેતર વિસ્તાર ૧૪૯ લાખ હેક્ટર થયેલ છે.

બાગાયત અને પ્રાકૃતિક ખેતી અંગે મંત્રીએ જણાવ્યું હતું કે,

- ગુજરાત આજે ચીકુ, પપૈયા, ભીંડા, જીરું અને વરિયાળીમાં વાવેતર અને ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે છે. જ્યારે દાડમ, ધાણા, કેળા અને ડુંગળીમાં બીજા ક્રમે છે.

- બાગાયતી પેદાશોના સંગ્રહ માટે ૫૪૮ કોલ્ડ સ્ટોરેજ દ્વારા ૨૭.૪૦ લાખ મે.ટન ક્ષમતા ઊભી કરાઈ છે.

- પ્રાકૃતિક ખેતી: રાજ્યમાં ૯૭ પ્રાકૃતિક ખેતીના FPO કાર્યરત છે (દેશમાં સૌથી વધુ). ૫૦૦ ગામોને 'આદર્શ પ્રાકૃતિક ગામ' તરીકે વિકસાવાશે.

- હાલોલ ખાતે દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી અને બાલવાટિકાથી PhD સુધીના અભ્યાસક્રમોનું આયોજન છે.

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલય દ્વારા સહકારી આંદોલનને પાંચ સ્તંભો પર મજબૂત કરાયું છે. જે મુજબ…

- દૂધ સહકારી ક્ષેત્ર: રાજ્યમાં દૂધ એકત્રીકરણ ૫૦૦% ના વધારા સાથે આજે ૩ કરોડ લિટર પ્રતિ દિવસ પહોંચ્યું છે. પશુપાલકોને રોજના રૂ. ૨૦૦ કરોડનું ચૂકવણું થાય છે.

- નાણાકીય સહાય: ખેડૂતોને વ્યાજમુક્ત ધિરાણ માટે રૂ. ૧૫૩૯ કરોડની જોગવાઈ. ૩૨ લાખ નવા ખાતા ખોલાયા અને થાપણોમાં રૂ. ૧૬,૨૧૦ કરોડનો વધારો થયો.

- ભારત ટેક્સી: સહકારી ધોરણે દેશની પ્રથમ 'ભારત ટેક્સી' સેવામાં GCMMF પ્રમોટર તરીકે જોડાઈ ગીગ ઈકોનોમીના શ્રમિકોને ન્યાય અપાવશે.

- ગ્રીન એનર્જી: બનાસ ડેરીના મોડેલ પર રૂ. ૬૦ કરોડના ખર્ચે બાયો-સીએનજી પ્લાન્ટ્સની સ્થાપના થશે.

આગામી લક્ષ્યાંકો અને 'વિકસિત ગુજરાત @ ૨૦૪૭'ના રોડમેપ અંગે મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં ધાન્ય પાકોની ઉત્પાદકતા ૨.૭ થી વધારી ૩ મેટ્રિક ટન પ્રતિ હેક્ટર કરવામાં આવશે.

• અમદાવાદના ત્રાગડ ખાતે રૂ. ૨૨.૫૦ કરોડના ખર્ચે એગ્રી બિઝનેસ એન્ડ ઇનોવેશન હબ તૈયાર કરાશે.

• વાવ-થરાદ ખાતે નવો ફૂડ પાર્ક અને ઉત્તર ગુજરાતમાં લોજિસ્ટિક સુવિધાઓ ઊભી કરાશે

• કૃષિ બિઝનેસ અને એક્સપોર્ટ પોલિસી દ્વારા ૫૦ લાખ ખેડૂતોની આવક વધારવી અને ૧ લાખ કરોડનું રોકાણ લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રી જીતુભાઈ વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોના આત્મસન્માન અને આર્થિક સાર્વભૌમત્વ માટે કટિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande