
સુરત, 13 માર્ચ (હિ.સ.) દમણના મોટી દમણ બીચ નજીક દરિયામાં ઉભેલી એક બોટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ બોટમાંથી ઉઠતા ઘાટા કાળા ધુમાડા અને જ્વાળાઓ દૂર સુધી દેખાતા બીચ પર આવેલા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગ્યા પછી થોડા જ સમયમાં બોટ સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગઈ હતી. દરિયાના મધ્યમાં આગ ભભૂકતા આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને કારણે આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન, ફાયર બ્રિગેડ તેમજ રેસ્ક્યુ ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. દરિયામાં જઈને આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું અને અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે