
વલસાડ, 13 માર્ચ (હિ.સ.) : વાપી GIDC વિસ્તારમાં ખાણી-પીણીની વિવિધ દુકાનો પર અધિકારીઓએ અચાનક તપાસ અભિયાન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન કેટલાક વેપારીઓ દ્વારા ઘરેલુ LPG સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું, જેના પગલે કુલ પાંચ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા.
અધિકારીઓએ જણાવ્યું કે ઘરેલુ વપરાશ માટે મળતા ગેસ સિલિન્ડરનો વેપાર માટે ઉપયોગ કરવો નિયમોનો ભંગ ગણાય છે. આવી ગેરરીતિ સામે પગલા લેતા સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હાલમાં ગેસ પુરવઠા પર પડતી અછતને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું. ઘરેલુ ગ્રાહકોને યોગ્ય રીતે ગેસ ઉપલબ્ધ રહે તે માટે આવા ગેરઉપયોગ પર નિયંત્રણ લાવવું જરૂરી હોવાનું પણ જણાવાયું.
તપાસ પૂર્ણ થયા બાદ વેપારીઓને નિયમોનું પાલન કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. સાથે જ આગાહી આપવામાં આવી કે ભવિષ્યમાં પણ આવા અચાનક ચેકિંગ ચાલુ રાખવામાં આવશે જેથી ઘરેલુ ગેસનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે