
પાલનપુર, 13 માર્ચ (હિ.સ.) : બનાસકાંઠાથી કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાન સરહદને અડીને આવેલા નેનાવા ગામ પાસે એક ખાનગી સ્લીપર ટ્રાવેલ્સ બસમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનામાં એક મુસાફરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે આઠ જેટલા મુસાફરો દાઝી ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને પોલીસના વાહન તેમજ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે ગત મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી આ બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, તેમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના જેસલમેરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ જ્યારે નેનાવા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે મધરાતે આશરે 3:30 વાગ્યાના સુમારે અચાનક બસમાં આગ લાગી હતી. આ સમયે મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. જોતજોતામાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી.
આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે બસમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. દરવાજેથી બહાર નીકળવું અશક્ય જણાતા અનેક મુસાફરોએ જીવ બચાવવા માટે ચાલુ બસની બારીઓના કાચ તોડી બહાર કૂદકા માર્યા હતા. આ અફરાતફરીમાં એક મુસાફર આગની લપેટમાં આવી જતાં તેનું બસની અંદર જ મૃત્યુ થયું હતું.
એક મુસાફરે જણાવ્યું હતું કે, અમે જેસલમેર લગ્ન પતાવીને અમદાવાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અચાનક બસમાં આગ લાગી ગઇ હતી. આગ કેવી રીતે લાગી એ ખબર નથી પણ બધા માણસો બસમાં ફસાઇ ગયા હતા. જેઓને હાલ સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. દાઝી ગયેલા તમામ 8 મુસાફરને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક છે.
આગ પર કાબૂ મેળવવા માટે ધાનેરા નગરપાલિકા ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના સાંચોરથી પણ ફાયર ફાઈટરોને બોલાવવાની ફરજ પડી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે.
હાઈવે પર અકસ્માતને કારણે ખોરવાયેલો ટ્રાફિક પોલીસે પુનઃ કાર્યરત કરાવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ખાનગી સ્લીપર ટ્રાવેલ્સમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે. શું આ બસમાં ફાયર સેફ્ટીના સાધનો હતા? શું બસનું ફિટનેસ સર્ટિફિકેટ બરાબર હતું? આ તમામ દિશામાં અત્યારે પોલીસ અને આરટીઓ વિભાગ તપાસ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ