
પાટણ, 14 માર્ચ (હિ.સ.)સરસ્વતી તાલુકાના અઘાર ગામ પાસે રામદેવપીરના આશ્રમ નજીક માર્ગ ઓળંગી રહેલા 37 વર્ષીય યુવકને મોટરસાઈકલ ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે અઘાર ગામના રહેવાસી અને GEBમાં ફરજ બજાવતા ગાંડાજી શંકરજી ઠાકોરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 13 માર્ચ 2026ના રોજ સાંજે તેમના પુત્ર પ્રકાશકુમાર (ઉં. 37) ઘરનો પંખો રિપેર કરાવવા પિતાને આપવા અઘાર રોડ પર આવેલા રામાપીરના આશ્રમ પાસે આવ્યા હતા.
તે સમયે પ્રકાશકુમાર રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે ડીસા તરફથી GJ 24 BB 0064 નંબરની મોટરસાઈકલ પર ધારેશજી જયંતીજી ઠાકોર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવીને તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં પ્રકાશકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
અકસ્માતમાં બાઈક ચાલક ધારેશજી ઠાકોર પણ ઈજાગ્રસ્ત થયો છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સરસ્વતી પોલીસે આ મામલે BNS કલમ 281, 125(a), 125(b), 106(1) તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ