
રાજપીપળા, 14 માર્ચ (હિ.સ.) : નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત સરકારી મુકબધિર નિવાસી શાળા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે મંજુર થયેલ જોયસ્ટીક વ્હીલચેર અને મોટરાઈઝ્ડ ટ્રાયસીકલ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને 13 માર્ચે રાજ્ય કક્ષાનો સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેના અનુસંધાને નર્મદા સહિત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં દિવ્યાંગ લાભાર્થીઓને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર હસ્તકના નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા ચાલુ વર્ષથી શરૂ કરાયેલ મોટરાઈઝ્ડ ટ્રાયસીકલ તેમજ જોયસ્ટીક વ્હીલચેર યોજના અંતર્ગત રાજ્યભરમાં વિતરણ કાર્યક્રમની શરૂઆત ગાંધીનગરથી કરવામાં આવી હતી. તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ લાભાર્થીઓને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી કેમ્પ પ્રક્રિયા દ્વારા જિલ્લામાં કુલ 68 દિવ્યાંગ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મંજુર કરવામાં આવ્યો હતો, જેમને મોટરાઈઝ્ડ ટ્રાયસીકલ અને જોયસ્ટીક વ્હીલચેર જેવા સહાયક સાધનો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.કે.સોલંકી, સમાજ સુરક્ષા વિભાગના સ્ટાફ, સરકારી મુકબધિર નિવાસી શાળા રાજપીપળાના આચાર્ય તથા દિવ્યાંગ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ