સુરતમાં નકલી ડોક્ટર પકડાયો: ધો.10 નાપાસ હોવા છતાં ચલાવતો હતો ‘આશા ક્લિનિક’
સુરત, 14 માર્ચ (હિ.સ.): સુરત શહેર પોલીસ દ્વારા નકલી ડોક્ટરો સામે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન સચિન વિસ્તારમાં એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે, જે કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરી રહ્યો હતો. પોલીસને મળેલી બ
Arrest


સુરત, 14 માર્ચ (હિ.સ.): સુરત શહેર પોલીસ દ્વારા નકલી ડોક્ટરો સામે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન સચિન વિસ્તારમાં એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે, જે કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરી રહ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે વાંઝ ગામમાં આવેલા આકાશ કોમ્પ્લેક્સમાં ચાલતી ‘આશા ક્લિનિક’ પર દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે ક્લિનિકમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ક્લિનિક ચલાવનાર સંજીત નિલકોમલ વિશ્વાસ (40) પાસે કોઈ મેડિકલ લાયસન્સ કે ડિગ્રી નથી. પૂછપરછ દરમિયાન ખુલ્યું કે તે ધોરણ 10માં પણ નાપાસ છે, છતાં તે પોતાને ડોક્ટર તરીકે રજૂ કરીને દર્દીઓને તપાસતો અને એલોપેથિક દવાઓ આપતો હતો.

રેડ દરમિયાન ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ વસ્તુઓ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આવા નકલી ડોક્ટરો દર્દીઓના જીવન સાથે ગંભીર જોખમ ઉભું કરે છે.

આરોપી સંજીત વિશ્વાસ મૂળ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના રહેવાસી છે. તે સુરતના સચિન વિસ્તારમાં આવી ભાડે જગ્યા લઈ ક્લિનિક ચલાવી રહ્યો હતો. અહીં મોટી સંખ્યામાં રહેલા પરપ્રાંતીય શ્રમિકોને ઓછી ફીમાં સારવાર આપવાની લાલચ આપી તે પોતાનો ધંધો ચલાવતો હતો.

સચિન પોલીસે આરોપી સામે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે તે કેટલા સમયથી આ રીતે પ્રેક્ટિસ કરતો હતો અને તેની સાથે કોઈ અન્ય લોકો સંડોવાયેલા છે કે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande