



પોરબંદર, 14 માર્ચ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા શહેરમાં લાગેલી આગની ઘટનાને લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના સરદાર પટેલ નેવી ક્વાર્ટર વિસ્તારમાં આગ લાગ્યાની માહિતી મળતાં ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું. આગની જાણ થતા પોરબંદર ફાયર બ્રિગેડની 1 ગાડી, એરપોર્ટ ફાયર સ્ટેશનની 1 ગાડી તથા નેવી ક્વાર્ટરની 1 ગાડી મળી કુલ 3 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર કર્મચારીઓ દ્વારા ઝડપી અને સંકલિત કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આગને કાબૂમાં લેવા માટે અંદાજે 35,000 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગના જવાનોની સમયસર કામગીરીના કારણે આગ પર નિયંત્રણ મેળવી લેવાયું હતું. ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા અને આસપાસના વિસ્તારમાં સાવચેતી રાખવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સતત હાજર રહી આગને કાબૂમાં લેવા કામગીરી કરી હતી. પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓમાં નાગરિકોની સુરક્ષા માટે સતત સતર્ક રહી ઝડપી કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya