
ગીર સોમનાથ, 14 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં 'સ્વસ્થ દીકરી સુરક્ષિત ભવિષ્ય' અંતર્ગત ૧૫ વર્ષ સુધીની દીકરીઓને રસી અપાવી ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષિત કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાની હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કિશોરીઓને રસીકરણ દ્વારા સર્વાઈકલ કેન્સર સામે રક્ષિત કરવામાં આવી રહી છે.
ઉના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કિશોરીઓ વૈભવી અને ઉર્વશીએ પણ એચ.પી.વી. વેક્સિનેશન અપાવી હતી. એચ.પી.વી. રસી લેનાર કિશોરીઓના પિતા હિતેન્દ્રસિંહ પરમારે પોતાનો પ્રતિભાવ વ્યકત કર્યો હતો.
હિતેન્દ્રસિંહએ વેક્સિનેશન અંગે હકારાત્મક પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, હ્યુમન પેપિલોમા વાયરસ ખાસ કરીને સ્ત્રીઓમાં ગર્ભાશયમાં થતા સર્વાઈકલ કેન્સર સહિતના કેન્સર માટે જવાબદાર હોય છે. સરકાર દ્વારા સર્વાઈકલ કેન્સરના રોગ સામે રક્ષિત કરતી આ રસી તદ્દન નિઃ શુલ્ક આપવામાં આવે છે. જે ખૂબ જ ફાયદાકારક છે.
ઉલ્લેખનીય છે કે, હ્યુમન પેપિલોમા વાયરસથી થતા વિવિધ રોગોથી બચવા માટે એચ.પી.વી. રસી ખૂબ જ અસરકારક અને સુરક્ષિત માનવામાં આવે છે. સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ અભિયાન દ્વારા એચ.પી.વી. રસી અંગે લોકોમાં જાગૃતિ આવે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ એચ.પી.વી. રસી સમયસર લેવાથી સર્વાઈકલ કેન્સર જેવા ગંભીર રોગોથી બચી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ