
જામનગર, 14 માર્ચ (હિ.સ.) :
જામનગર સ્થિત ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા આગામી ‘વર્લ્ડ ઓરલ હેલ્થ મન્થ 2026’ અંતર્ગત જનતાના મૌખિક આરોગ્યની જાળવણી અને જાગૃતિ માટે અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિશેષ ઉજવણી આગામી 20 માર્ચથી શરૂ થઈને 20 એપ્રિલ 2026 સુધી એટલે કે સળંગ એક મહિના સુધી ચાલશે, જે દરમિયાન જામનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મૌખિક સ્વાસ્થ્યને લગતા અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
આ અભિયાનમાં ખાસ કરીને મોઢાના કેન્સરના વહેલા નિદાન માટે કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ગંભીર બીમારીઓને શરૂઆતના તબક્કે જ ઓળખી શકાય અને તેની યોગ્ય સારવાર થઈ શકે.
આ ઉપરાંત, વર્તમાન સમયમાં વધતા જતા તમાકુના વ્યસનને રોકવા માટે વિશેષ કાઉન્સેલિંગ સત્રો પણ યોજાશે, જેમાં વ્યસનીઓને તમાકુ છોડવા માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન અને જરૂરી પ્રેરણા પૂરી પાડવામાં આવશે.
આ આખા મહિના દરમિયાન ડેન્ટલ કોલેજના નિષ્ણાત તબીબો અને વિદ્યાર્થીઓની ટીમ દ્વારા શાળાઓ, કોલેજો અને જાહેર સ્થળોએ ઓરલ હેલ્થ અંગે જાગૃતિ ફેલાવતા વિવિધ કાર્યક્રમો રજૂ કરી સામાન્ય જનસમુદાયને મૌખિક આરોગ્યનું મહત્વ સમજાવી તેમને દાંત તથા પેઢાની બીમારીઓ પ્રત્યે સજાગ કરાશે.
અસ્વસ્થ જીવનશૈલી અને તમાકુના સેવનથી થતા ગંભીર નુકસાન અંગે લોકોને વાકેફ કરી, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા એ આ અભિયાનનું પ્રાથમિક લક્ષ્ય છે. જામનગર જિલ્લાના નાગરિકો આ નિઃશુલ્ક સેવાઓ અને માર્ગદર્શનનો વધુમાં વધુ લાભ લે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt