

મહેસાણા, 14 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના લાખવડ ગામની પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી છે. શાળાના શિક્ષકો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અંગે જાગૃતિ ફેલાવતાં વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના પડિકા અને બોટલનો ઉપયોગ છોડવાનો સંકલ્પ કર્યો છે. આ પહેલના પરિણામે શાળાના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ હવે ઘરેથી પૌષ્ટિક નાસ્તો લાવે છે અને સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરે છે.
શાળાની શિક્ષિકા સંગીતા રાવલ દ્વારા વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર પડતા ગંભીર પ્રભાવ અંગે સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે મળીને શાળા પરિસરમાંથી પ્લાસ્ટિકના 20 કિલોગ્રામ જેટલા કચરાનો એકત્રિત કરીને નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી રહી છે.
શાળામાં હવે નર્મદાનું શુદ્ધ પાણી અને સ્ટીલના ગ્લાસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકની બોટલ લાવવાનું પણ બંધ કરી રહ્યા છે. ઉપરાંત જન્મદિવસની ઉજવણીમાં ચોકલેટ કે રેપર આપવાના બદલે પેન્સિલ કે રબર જેવી ઉપયોગી વસ્તુઓ આપવાની પ્રથા શરૂ કરવામાં આવી છે.
શાળા દ્વારા વાલી મીટિંગમાં પણ વાલીઓને સમજાવી બાળકોને ઘરેથી પૌષ્ટિક નાસ્તો આપવા વિનંતી કરવામાં આવી હતી. આ પ્રયાસોના પરિણામે શાળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા તથા પર્યાવરણ પ્રત્યે સકારાત્મક સંદેશ ફેલાયો છે
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR