
મહેસાણા, 14 માર્ચ (હિ.સ.) મહેસાણા શહેર બી.ડી.વિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક આરોપીને ઝડપી પાડ્યો છે અને ચોરીમાં ગયેલું રૂ.25,000 કિંમતનું મોટરસાયકલ જપ્ત કર્યું છે.
પોલીસ સૂત્રો અનુસાર નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં વાહન ચોરી અટકાવવા માટે ખાસ પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીના નેતૃત્વમાં ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે રામોસણા બ્રિજ પાસે દર્શન હોટલ સામે શંકાસ્પદ હાલતમાં ઉભેલા હર્ષ રમેશભાઈ છગનદાસ પટેલ (ઉંમર 29), રહે. મહેસાણા ને પકડી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી નંબર પ્લેટ વગરનું હીરો પેશન પ્રો મોટરસાયકલ મળી આવ્યું હતું.
એન્જિન અને ચેસીસ નંબરના આધારે તપાસ કરતા આ વાહન મહેસાણા બી.ડી.વિઝન પોલીસ સ્ટેશનમાં તા.21/11/2025 ના રોજ નોંધાયેલા મો.સા. ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વાહન કબજે કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે મામલો બી.ડી.વિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR