
રાજપીપળા, 14 માર્ચ (હિ.સ.) : નર્મદા જિલ્લમાં ચેત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજરોજ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર આર.વી. વાળા દ્વારા પરિક્રમા રૂટનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રામપુરા ઘાટ ખાતે વિવિધ એજન્સી અને અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર, સાધુ-સંતો, આશ્રમવાસીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી પરિક્રમાવાસીઓને સરળ અને સુવિધાસભર યાત્રા મળી રહે તે માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંડપ, છાંયડો, પંખા, બેરીકેટિંગ, ચેન્જિંગ રૂમ, સ્નાન સુવિધા, ટોયલેટ, નાવડી વ્યવસ્થા, લાઇટિંગ, સાઇન બોર્ડ, માઇક એનાઉન્સિંગ સિસ્ટમ, કંટ્રોલ રૂમ, આરોગ્ય સેવા, પીવાના પાણી, સલામતી, પાર્કિંગ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ઇન્ચાર્જ કલેક્ટરએ ખાસ કરીને રામપુરા ઘાટ ખાતે જેટી, સ્વચ્છતા અને પાર્કિંગ વ્યવસ્થાઓ સુચારૂ રીતે ઉભી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સાથે સાથે પરિક્રમાવાસીઓની અવરજવર સરળ બને તે માટે ઘાટ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન અને સતત દેખરેખ રાખવા પણ જણાવ્યું હતું.
આ સ્થળ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેકટર સી.કે.ઉંધાડ, ARTO નિમીષા પંચાલ, સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી પરિક્રમા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ