


પોરબંદર, 14 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાના હેતુસર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન સાથે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ)ના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અનુસંધાને જુબેલી ચાર રસ્તા નજીક આવેલ જીવીપી પોઈન્ટ ખાતે ઝોન સેનિટેશન ઇન્સ્પેક્ટર, સેનિટેશન સબ-ઇન્સ્પેક્ટર તથા વોર્ડ સુપરવાઇઝર દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. આ સ્થળે વારંવાર નાળિયેરનો કચરો ફેંકવામાં આવતો હોવાની માહિતી મળતા વોર્ડના સેનિટેશન સબ-ઇન્સ્પેક્ટર દ્વારા અંદાજે ત્રણ કલાક સુધી સતત નજર રાખવામાં આવી હતી.
આ દરમિયાન રિક્ષા નંબર જી જે-01-બી યુ -4463 દ્વારા આ સ્થળે નાળિયેરનો કચરો નાખવા આવતા તેને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના સેનિટેશન સ્ટાફ દ્વારા સંબંધિત વ્યક્તિ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી રૂ. 1000/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તેના દ્વારા ફેંકવામાં આવેલ કચરો ફરીથી રિક્ષામાં જ ભરી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ રિક્ષાને છોડવામાં આવી હતી.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાં જાહેર સ્થળે કચરો ફેંકવો, ગંદકી ફેલાવવી કે અનિયમિત રીતે કચરો નાંખવો મહાનગરપાલિકાના ઉપનિયમોનો ભંગ ગણાય છે. આવી સ્થિતિમાં જવાબદાર વ્યક્તિ સામે રૂ. 5,000/- સુધીનો દંડ કરવામાં આવી શકે છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે સતત મોનિટરિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya